સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને સમગ્ર ભારતમાં અને વિદેશમાં ઉચ્ચતમ Z+ સુરક્ષા કવચ આપવાનો મંગળવારે આદેશ આપ્યો હતો. ભારતમાં અથવા વિદેશમાં Z+ સુરક્ષા આપવાનો સમગ્ર ખર્ચ તેઓ ઉઠાવશે.
કોર્ટે જણાવ્યું હતું કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયેની છે, જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે અંબાણી પરિવારની સુરક્ષા ગૃહ મંત્રાલય સુનિશ્ચિત કરશે.
કોર્ટે કહ્યું કે તેને જાણવા મળ્યું છે કે પ્રતિવાદી મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેલ સુરક્ષા કવચ વિવિધ સ્થળોએ અને અલગ-અલગ હાઈકોર્ટમાં વિવાદનો વિષય છે. પક્ષકારોના વિદ્વાન વકીલોને સાંભળ્યા પ, અમારો અભિપ્રાય છે કે જો કોઈ સુરક્ષા જોખમ હોય, તો સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવે છે અને તે પણ પ્રતિવાદીઓના પોતાના ખર્ચે, કોઈ ચોક્કસ વિસ્તાર અથવા રહેવાના સ્થળ સુધી સુરક્ષા મર્યાદિત ન હોઈ શકે. જો તે કોઈ ચોક્કસ સ્થળ અથવા વિસ્તાર પૂરતી સુરક્ષા મર્યાદિત હોય તો સુરક્ષાનો અર્થ રહેતો નથી.
કેન્દ્ર સરકાર દ્વારા અંબાણી પરિવારને આપવામાં આવેલી સુરક્ષાને એક પીઆઇએલ દ્વારા ત્રિપુરા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેથી સુરક્ષાના બચાવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમમાં અપીલ કરી હતી. તે સમયે સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઇકોર્ટના આદેશો પર સ્ટે મુકી દીધો હતો.