ગુજરાત વિધાનસભાએ મંગળવાર, 28 ફેબ્રુઆરીએ રાજ્યની તમામ શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષયને ફરજિયાત કરતા એક બિલને સર્વસંમતીથી બહાલી આપી હતી. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું અને તેના પર ચર્ચાવિચારણા પછી સર્વાનુમતે પસાર કરાયું હતું. બિલ મુજબ ગુજરાતી ભાષા ફરજિયાત બિલમાં નિયમ ભંગ સામે કડક જોગવાઈ કરાઈ છે. ગુજરાતી વિષયનું શિક્ષણ ન આપતી શાળાઓને રૂ. 2 લાખ સુધીનો દંડ થશે.
આ બિલ કાયદો બનશે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ, કેન્દ્રીય શિક્ષણ બોર્ડ અને લઘુમતી શાળાઓ સહિત અન્ય તમામ બોર્ડ હેઠળ કાર્યરત શાળાઓ સહિત રાજ્યભરની તમામ શાળાઓમાં 2023-2024ના નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. પ્રથમ વખત આ નિયમનો ભંગ કરનાર શાળાઓને રૂ. 50,000 દંડ. બીજા અને ત્રીજા ભંગ માટે શાળાઓ અનુક્રમે રૂ.1 લાખ અને રૂ.2 લાખનો દંડ થશે. ત્રીજા ઉલ્લંઘન પછી શાળાની પરવાનગી રદ કરાશે.
અગાઉ ગુજરાતની કેબિનેટે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના વિષયને ફરજિયાત કરતા બિલના મુસદ્દાને મંજૂરી આપી હતી. આ બિલ મુજબ રાજ્યની તમામ શાળામાં 1થી 8 ધોરણ સુધી ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવામાં આવશે.
અગાઉ તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની જાહેર હિતની અરજીમાં ચુકાદો આપતાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકાર રાજ્યમાં ફરજિયાત માતૃભાષા ગુજરાતી ભણાવવા માટે વિધાનસભામાં કાયદો બનાવે.
સરકાર દ્વારા તારીખ 13-4-2018ના રોજ પરિપત્ર બહાર પાડી ઠરાવાયું હતું કે ગુજરાતમાં આવેલી કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાય. આ શાળાઓ ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડ સાથે સંલગ્ન હોય તો પણ તે શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે. સરકારના પરિપત્ર છતાં રાજ્યમાં ઘણી બધી શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. જેને કારણે ગુજરાતમાં વસતા ગુજરાતી વિદ્યાર્થી તેમની માતૃભાષાના અપેક્ષિત જ્ઞાનથી વંચિત રહે છે.