ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે બેઠક પછી શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત યુક્રેનનો વિવાદનો સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલ લાવવા પર ભાર મૂકી રહ્યું છે અને તે શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા માટે તૈયાર છે. જોકે જર્મન ચાન્સેલરે આ કટોકટી અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)માં વિવિધ દેશોના સ્પષ્ટ વલણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નવી દિલ્હીમાં મોદી સાથેની સંયુક્ત મીડિયા કોન્ફરન્સમાં જર્મન ચાન્સેલરે યુક્રેન સામે રશિયન આક્રમણને મોટી આપત્તિ ગણાવ્યું હતું કે જેનાથી વિશ્વ પર નકારાત્મક અસર થઈ રહી છે. તેમણે કહ્યું છે યુક્રેન મુદ્દે યુએનમાં દરેક દેશે તેનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.
બંને દેશોએ ‘ઈનોવેશન અને ટેક્નોલોજીમાં સહકાર વધારવા માટે ભારત-જર્મની વિઝન’નું પણ અનાવરણ કર્યું હતું. તથા ગ્રીન હાઈડ્રોજન અને સ્વચ્છ ઉર્જા ટેકનોલોજીમાં સહકાર માટે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ફ્રેનહોફર ઇન્સ્ટીટ્યૂટ વચ્ચેના ઉદ્દેશ્ય પત્રને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે યુક્રેનમાં ગતિવિધિની શરૂઆતથી ભારતે આ વિવાદને વાતચીત અને રાજદ્વારી માધ્યમો દ્વારા ઉકેલવા પર આગ્રહ કર્યો છે. ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા તૈયાર છે. યુએનમાં અમે વારંવાર આ મામલે અમારા વલણને સ્પષ્ટ કર્યું છે.
બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં યુક્રેન સંઘર્ષ તથા તેનાથી ઊભા થયેલા ફૂડ અને એનર્જી સુરક્ષાના મુદ્દાની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે વેપાર તથા સંરક્ષણ પ્લેટફોર્મના સહ-વિકાસ સહિતના દ્વિપક્ષીય જોડાણમાં વધારો કરવાના વિકલ્પોની ચર્ચાવિચારણા થઈ હતી.
યુક્રેન મુદ્દે ભારત અને જર્મની વચ્ચે મતભેદ છે અને જર્મન ચાન્સેલરની ટીપ્પણી ભારત માટે એક સંદેશ છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં ભારતના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે તેઓ આ મામલે એકબીજાના પરિપ્રેક્ષ્ય અંગે માત્ર સમજ દર્શાવે છે. ભારતના વડા પ્રધાને જ સમરકંદમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. બંને નેતાઓની ચર્ચામાં મેં ફક્ત એકબીજાના પરિપ્રેક્ષ્યની સમજણ અને પ્રશંસા જોઈ છે.
ક્વાત્રાએ જણાવ્યું હતું કે યુક્રેન સંધર્ષ અંગેની મંત્રણાનો ફોકસ જર્મની અને ભારત શાંતિ લાવવા માટેના પગલાંમાં કેવી રીતે ભાગીદારી કરે તેના પર હતો.
અખબારી નિવેદનમાં મોદીએ એમ પણ કહ્યું હતું કે આતંકવાદ અને અલગતાવાદ સામેની લડાઈમાં ભારત અને જર્મની વચ્ચે સક્રિય સહયોગ રહ્યો છે અને દેશો સહમત થયા છે કે સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે સંયુક્ત કાર્યવાહી જરૂરી છે.