રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બદલાઈ રહેલા વૈશ્વિક વેપાર સંબંધો વચ્ચે ભારતીય ચલણ રૂપિયાનું પણ વૈશ્વિક સ્તરે વજન વધી રહ્યું છે, જેને કારણે ટૂંક સમયમાં રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રશિયા અને શ્રીલંકા પછી આફ્રિકાના ચાર દેશો સહિત અનેક દેશો ભારત સાથે રૂપિયામાં વેપાર કરવા તૈયારી કરી રહ્યા છે. અત્યારસુધી ભારતમાં 20 બેન્કમાં વોસ્ટ્રો ખાતા ખૂલી ગયા છે, જે રૂપિયામાં વેપાર વ્યવહાર કરવા માટે જરૂરી છે.
જર્મની, ઈઝરાયલ સહિત 64 દેશો ભારત સાથેના વેપાર વ્યવહાર રૂપિયામાં કરવા માટે ચર્ચા કરી રહ્યા હોવાનું રીઝર્વ બેન્કના સૂત્રો કહે છે. જો ૩૦ દેશો સાથે ભારતનો રૂપિયામાં વેપાર શરૂ થશે તો રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણનું બિરુદ મળશે.

ડોલર પર નિર્ભરતા ઘટાડવાના ભારતના પ્રયાસોને સફળતા મળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જુલાઈ 2022માં રીઝર્વ બેન્કે રૂપિયામાં વેપાર વ્યવહારની દરખાસ્ત રજુ કરી હતી.

ભારત સાથે જે દેશો અત્યારે રૂપિયામાં વેપાર વ્યવહાર માટે મંત્રણા કરી રહ્યા છે, તેમાંના મોટાભાગના દેશોના ફોરેકસ રીઝર્વમાં ડોલરનું સ્તર ઘટી ગયું છે. આ દેશોમાં તઝાકિસ્તાન, સુદાન, લક્ષ્મબર્ગ સહિતના કેટલાક દેશોનો સમાવેશ થાય છે. ભારતના પડોશી દેશો નેપાળ, બંગલાદેશ અને મ્યાનમાર પણ રસ દાખવી રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે.
રૂપિયામાં વેપાર વ્યવહારથી ભારતને ક્રુડ તેલની આયાત પાછળ કરોડો ડોલરની બચત થવાની સંભાવના છે. ડોલરની મજબૂતાઈને કારણે દેશને માલસામાનની આયાત મોંઘી પડે છે, તેમાં પણ રાહત મળવાની સંભાવના ઊભી થઈ છે.

LEAVE A REPLY