હાલના ‘અશક્ય વચનો’થી વિપરીત, ચેનલ ક્રોસિંગ ઘટાડવા અને એક ‘વાસ્તવિક વિશ્વ’ની રચના કરવાના આશયે એક નવી માનવતાવાદી વિઝાની સ્કીમ હેઠળ વ્યવસ્થિત રીતે યુકેમાં આશ્રય મેળવવા માટે દર વર્ષે 40,000 લોકોને સુરક્ષિત રીતે યુકેમાં આવવાની મંજૂરી આપવામાં આવવી જોઇએ તેમ સ્વતંત્ર થિંકટેંક બ્રિટિશ ફ્યુચરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે નવો વિઝા રૂટ ફ્રાન્સ અને બેલ્જિયમ સાથેના વ્યાપક સોદાને સુરક્ષિત કરવા માટે ‘ડેડલોકને તોડવામાં’ મદદ કરી શકે છે. તે યુકેની એસાયલમ પોલીસીમાં સુધારો કરવા અને જોખમી ચેનલ ક્રોસિંગ ઘટાડવા માટે આશ્રય નીતિ દરખાસ્તોના નવા પેકેજનો ભાગ બનાવે છે.
નવો અહેવાલ, સાંસદો સંસદમાં પાછા ફરે ત્યારે રજૂ કરાશે અને સરકાર ચેનલ ક્રોસિંગના પ્રતિભાવમાં એસાયલમ અંગેની કાયદાકીય યોજનાઓ સાથે આગળ વધે તેવી અપેક્ષા છે.
‘કંટ્રોલ એન્ડ કમ્પેશન: અ ન્યુ પ્લાન ફોર એન ઇફેક્ટીવ એન્ડ ફેર યુકે એસાયલમ સીસ્ટમ’ દ્વારા યુકેમાં એસાયલમની સુરક્ષામાં સુધારા માટે દસ દરખાસ્તો નક્કી કરાઇ છે. જેમા લોકોની દાણચોરી કરતા બિઝનેસ મોડલને નબળું પાડવા અને બોટ ક્રોસિંગ ઘટાડવાના પગલાં, એસાયલમના કેસની પ્રક્રિયા અને સલામત વળતર ઝડપી અને વાજબી બનાવવાની દરખાસ્તોનો સમાવેશ થાય છે. જેમાં મોંઘી હોટલમાં રહેઠાણ માટેના નાણાંની બચત થાય છે.
બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર અને રિપોર્ટના સહ-લેખક સુંદર કટવાલાએ કહ્યું હતું કે “ચેનલ પરની ખતરનાક મુસાફરી એ સલામત અથવા અસરકારક એસાયલમ પ્રણાલીનો કોઈનો વિચાર નથી. પરંતુ ઋષિ સુનક અને સુએલા બ્રેવરમેન દ્વારા ચેનલને પાર કરનારા દરેકને અટકાયતમાં લેવાની અને દેશનિકાલ કરવાની ધમકી આપવી એ માત્ર એક વધુ અશક્ય વચન છે જે તેઓ પાળશે નહીં. રાજકારણીઓ વ્યવસ્થિત, કાર્યક્ષમ અને માનવીય સિસ્ટમ માટે યોગ્ય યોજના આવવામાં નિષ્ફળ રહ્યા છે. અમને વાસ્તવિક-વિશ્વની નીતિઓની જરૂર છે જે વાસ્તવમાં થઈ શકે અને ફરક પાડે.’’
આ પ્રસ્તાવને ટિમ ફેરોન, એમપી; સ્ટીફન ટિમ્સ, સાંસદ; સેમ કાસુમો, ભૂતપૂર્વ નંબર 10 સલાહકાર અને કન્ઝર્વેટિવ મેયરલ નોમિનેશન માટેના ઉમેદવાર; રાયન શોર્ટહાઉસ, કન્ઝર્વેટિવ થિંક ટેન્ક બ્રાઇટ બ્લુના ચીફ એક્ઝિક્યુટિવ અને રેફ્યુજી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ એનવર સોલોમને આવકાર્યો હતો.

LEAVE A REPLY