પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં આર્મી  ખાદ્ય પુરવઠામાં કાપને કારણે સૈનિકોને બે વખત યોગ્ય ભોજન આપવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે. રાવલપિંડી ખાતેના આર્મીના જનરલ હેડક્વાર્ટરમાં  ક્વાર્ટર માસ્ટર જનરલ (QMG) ઓફિસને ફિલ્ડ કમાન્ડરો તરફથી કેટલાક પત્રો મળ્યા છે. આ પત્રોમાં તમામ આર્મી ભોજનગૃહમાં ફૂડ સપ્લાયમાં કાપનો ઉલ્લેખ કરાયો છે. QMGએ ચીફ ઓફ લોજિસ્ટિક સ્ટાફ (CLS) અને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DG MO) સાથે ખાદ્ય પુરવઠા અને લોજિસ્ટિક્સ મુદ્દાઓની ચર્ચા કરી છે.

ટોચના કમાન્ડરોએ પણ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે ખાદ્ય પુરવઠાના મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને દેશમાં સુરક્ષાની સ્થિતિ અને આર્મી ઓપરેશન્સની માહિતી આપી છે. સૂત્રે જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારી અને સ્પેશ્યલ ફંડમાં કાપ વચ્ચે આર્મી તેના સૈનિકોને બે વખત યોગ્ય રીતે ખવડાવવા માટે સક્ષમ નથી. અમે પહેલાથી જ સૈનિકોના ફૂડ ફંડમાં કાપ મૂક્યો છે.

અફઘાન બોર્ડર પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના વધતા હુમલાઓ વચ્ચે પાકિસ્તાની સેના અને તેના અર્ધલશ્કરી દળો સરહદો પર વિવિધ ઓપરેશન્માં જોડાયેલા છે, ત્યારે ખાવાના ફાંફા પડી રહ્યાં છે. ડીજી (મિલિટરી ઓપરેશન્સ)એ જણાવ્યું હતું કે આર્મીને લોજિસ્ટિક્સ અને પુરવઠામાં વધુ કાપ પરવડી શકે નથી. તેનાથી સૈનિકોની કાર્યવાહી અટકી જવાની શક્યતા છે. સૈનિકોને વધુ ખોરાક અને વિશેષ ભંડોળની જરૂર છે. આર્મી ચીફ મુનીરે ફૂડ સપ્લાય અને ફંડ સહિતની તમામ માગણીઓ તાત્કાલિક ધોરણે પૂરી પડવાનો આદેશ આપ્યો છે.

બજેટ 2022-23 મુજબ સંરક્ષણ ખર્ચ માટે આશરે $7.5 બિલિયન ફાળવવામાં આવ્યા છે, જે હાલના ખર્ચના 17.5% જેટલો છે. આ ડિફેન્સ બજેટ ગયા નાણાકીય વર્ષની તુલનાએ 11.16% વધુ છે. પાકિસ્તાની સૈન્ય દર વર્ષે પ્રતિ સૈનિક સરેરાશ 13,400 ડોલરનો ખર્ચ કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની આર્મી થિયેટરથી લઇને રિયલ એસ્ટેટ સુધીના લગભગ તમામ ક્ષેત્રમાં નાગરિક નાણાકીય પ્રોજેક્ટ્સ પર અંકુશ ધરાવે છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments