ગુજરાતની કેબિનેટે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના વિષયને ફરજિયાત કરતા બિલના મુસદ્દાને બુધવારે મંજૂરી આપી હતી. ગુરુવારથી રાજ્યની વિધાનસભામાં શરૂ થતા બજેટ સત્રમાં આ બિલને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. આ બિલ મુજબ રાજ્યની તમામ શાળામાં 1થી 8 ધોરણ સુધી ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવામાં આવશે.
સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળામાં ધોરણ ૧થી ૮માં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાનો નિર્ણય લેવાયો છે. વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર આ વિધેયક લાવશે
અગાઉ તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની જાહેર હિતની અરજીમાં ચુકાદો આપતાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકાર રાજ્યમાં ફરજિયાત માતૃભાષા ગુજરાતી ભણાવવા માટે વિધાનસભામાં કાયદો બનાવે. અન્ય રાજ્યોનો હવાલો આપતા કોર્ટે જણાવ્યું હતું બીજા રાજ્યોએ માતૃભાષાના જતન માટે કાયદો ઘડ્યો છે એવી જ રીતે ગુજરાતની વિધાનસભા પણ વિવેકનો ઉપયોગ કરીને કાયદો ઘડી શકે છે. સરકારે નવા શૈક્ષણિક સત્રથી તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભણાવાશે એવી ખાતરી આપી હતી.
સરકાર દ્વારા તારીખ 13-4-2018ના રોજ પરિપત્ર બહાર પાડી ઠરાવાયું હતું કે ગુજરાતમાં આવેલી કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાય. આ શાળાઓ ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડ સાથે સંલગ્ન હોય તો પણ તે શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે. સરકારના પરિપત્ર છતાં રાજ્યમાં ઘણી બધી શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. જેને કારણે ગુજરાતમાં વસતા ગુજરાતી વિદ્યાર્થી તેમની માતૃભાષાના અપેક્ષિત જ્ઞાનથી વંચિત રહે છે.
માતૃભાષા અભિયાન દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાંજણાવાયું હતું કે શાળાઓની વેબસાઈટમાં જણાવાયેલી વિગતો મુજબ લગભગ 109થી વધારે શાળામાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. લાંબા સમયથી ગુજરાતી સાહિત્યકારો અને શિક્ષણવિદ્દો દ્વારા ગુજરાતી ભાષાની અસ્મિતા જળવાઇ રહે તે માટે આ માગણી કરાઇ રહી હતી.