ગુજરાતમાં નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે જંત્રીનો નવો દર ૧૫મી એપ્રિલ ૨૦૨૩થી અમલી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની જંત્રીના દરથી દસ્તાવેજ નોંધાવવા સબ રજિસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો જાવા મળ્યો છે. રોજના ૧૫૦થી વધારે લોકો દ્રારા ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. બીજી બાજુ જંત્રીના જૂના દર અમલી રહેતા રાજ્યમાં ફરી દસ્તાવેજ નોંધણી શરૂ થઈ છે. જંત્રીના દરમાં વધારાથી દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં બ્રેક લાગી હતી. રાજ્યમાં તા. ૧૫મી એપ્રિલથી નવી જંત્રી લાગુ પડશે.
તે પૂર્વે જૂની જંત્રીના દરથી દસ્તાવેજો કરવા માટે અમદાવાદમાં સબ રજિસ્ટર કચેરીમાં મિલકતધારકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સોલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક દિવસમાં સવારે ૭૩ જયારે બપોર બાદ ૮૦ જેટલાં દસ્તાવેજની નોંધણી થઈ રહી છે. જોકે, આ નોંધણી પહેલેથી આટલી જ હતી પરંતુ રોજે રોજ ૧૫૦થી વધારે લોકોનો ધસારો બુકિંગ માટેનો છે. માર્ચ મહિનામાં હજુ વધારે દસ્તાવેજની બુકિંગ માટે નોંધણી થશે, અમદાવાદમાં દસ્તાવેજ કરાવવા માટે ઓનલાઈન ડેટ લેવી પડતી હોય છે.
સરકારના અચાનક નિર્ણયથી રાજ્યભરના બિલ્ડરોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. બિલ્ડર્સનો દાવો હતો કે, જંત્રીના પગલે મકાનો મોંઘા થશે અને પ્રજા પર ભારણ વધશે. તો બિલ્ડર્સની માગ પર સરકારે સતર્કતા દર્શાવી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જંત્રીની અમલવારીને હાલ પૂરતી મોકૂફ રાખવાનો ર્નિણય કર્યો હતો. રાજ્ય સરકારનો દાવો છે કે, પ્રજાના હિતમાં ર્નિણય કરાયો છે. ત્યારે હવે જૂના જંત્રી દર સાથે દસ્તાવેજ નોંધણી કરવાનું કામ શરૂ થયું છે. જેને લઈને સબ રજિસ્ટ્રારની કચેરીમાં ભીડ થઈ રહી છે. જોકે, નવા જંત્રીના દરની ઝંઝટમાંથી મુક્તિ મળે અને જૂના ભાવે દસ્તાવેજ થઈ જાય એ માટે અમદાવાદ સહિતના નગરો અને તાલુકા મથકો પર મિલકત ધારકોનો ધસારો વધ્યો છે.