અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની યુક્રેન મુલાકાતના એક દિવસ પછી રાષ્ટ્રજોગ સંબોધનમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે રશિયા યુક્રેનને આઝાદ કરવા માટે લડી રહ્યું છે. તબક્કાવાર ધોરણે અમે કાળજીપૂર્વક અને વ્યવસ્થિત રીતે અમારા ઉદ્દેશ્યોને હાંસલ કરીશું.
તેમણે કહ્યું હતું કે કે યુક્રેનમાં યુદ્ધ માટે પશ્ચિમી દેશો સંપૂર્ણપણે જવાબદાર છે. યુક્રેનિયન સંઘર્ષને વેગ આપવા માટે, તેને ઉગ્ર બનાવવા અને પીડિતોની સંખ્યા માટે સંપૂર્ણ રીતે પશ્ચિમી દેશો જવાબદાર છે. પશ્ચિમી દેશો સ્થાનિક સંઘર્ષને વૈશ્વિક સંઘર્ષમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યાં અને અમે તેની યોગ્ય પ્રતિક્રિયા આપીશુ. અમે અમારા દેશના અસ્તિત્વ વિશે વાત કરી રહ્યા છીએ.
પુતિને પોતાના સંબોધનમાં પોતાના દેશના લોકોની સુરક્ષાને મહત્વપૂર્ણ ગણાવી હતી અને યુદ્ધ સાથે જોડાયેલી ઘણી જાહેરાતો પણ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ એવા સમયે દેશને સંબોધિત કરી રહ્યા છે જે દેશ માટે મુશ્કેલ અને મહત્વપૂર્ણ છે. સમગ્ર વિશ્વમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. રશિયા યુક્રેનને આઝાદ કરવા માટે લડી રહ્યું છે. પુતિને પશ્ચિમી દેશોની પણ ટીકા કરી કરતા કહ્યું કે મોસ્કોએ નાટો સાથે શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ નાટોએ યોગ્ય જવાબ આપ્યો ન હતો.