– દુર્ગેશ ઉપાધ્યાય
ભગવાન સ્વામિનારાયણે અનેક સ્થળોએ વિચરણ કરી જે સ્થળોને પાવન કર્યા, અને અનેક સ્થળોએ તેમણે જાતે મંદિરો બનાવ્યાં, અથવા મંદિરો બાંધવાની પ્રેરણા આપી. એ પૈકી સરધારના સ્વામિનારાયણ મંદરનો સમાવેશ થાય છે.
રાજકોટથી 28 કિ.મી. દૂર આવેલું આ તીર્થધામ સ્વામિનારાયણ પંથનું સર્વોત્તમ ધામ ગણાય છે. અને આ તીર્થનો મહિમા પણ વિશેષ એ રીતે છે કે સહજાનંદ સ્વામીએ અહીં વસવાટ કરી અનેક લીલા રચી હતી અને મંદિર માટે પ્રેરણા તથા આશીર્વાદ આપ્યા હતા.
વિક્રમ સંવત 1859 એટલે કે ઇ. સ. 1803માં સહજાનંદ સ્વામી સરધાર મુકામે પ્રથમ વાર આવ્યા અને 1803માં રામાનંદ સ્વામીની પ્રથમ વર્ષી ત્યાં ઉજવી હતી તેમણે 1861 સુધી દરબાર ગઢમાં રોકાઇને માછલીઓને સમાધી આપી. સરધારમાં તેઓ ચાતુર્માસ માટે રોકાયા હતા. તે વખતે ત્યાંના લીમ્બ તળાવમાં તેમણે સ્નાન કર્યું હતું તથા લીમ્બ વૃક્ષ નીચે બેસતા હતા. એ બધી પ્રસાદીની જગ્યાએ આજે શ્રદ્ધાળુઓ માટે દર્શનીય બની રહી છે. 1963માં માંકડનું કલ્યાણ કરી અનેક ઐશ્વર્યયુક્ત લીલાઓ કરી, તથા 1864માં બોદા કમાંગરને પાપોનું પ્રાયશ્ચિત કરાવી તેને ઉગાર્યો. અને કલ્યાણ કર્યું. ઉપરાંત અહીં તેમણે જન્માષ્ટમી, દિવાળી, પ્રબોધિની એકાદશી વિગેરે તહેવારોની ઉજવણી કરી સ્થળને ધાર્મિકતા બક્ષી સં. 1884માં અહીં મંદિર નિર્માણની પ્રેરણા અને આશીર્વાદ આપ્યા. જેથી 200 વર્ષ બાદ નીત્ય સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ અહીં શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું.
આ મંદિર રાજસ્થાનથી મંગાવેલા ગુલાબી પથ્થરોમાંથી બનાવેલું છે. જે 99 ફૂટ પહોળું, 155 ફૂટ લંબાઇ અને 81 ફૂટ ઊંચાઇ ધરાવતું પાંચ શિખરવાળું મંદિર છે. તેના 16 ઘુમ્મટ, 108 સ્તંભ અને 108 કમાન છે. સ્થંભો અને ઘુમ્મટ આચાર્ય પરંપરાની મૂર્તિઓ તથા અન્ય કોતરણીથી શોભે છે. સરધારમાં જ રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ થયો હતો.
આ સંસ્થા દ્વારા સંત સંસ્કાર કેન્દ્ર તથા નિઃશુલ્ક વિદ્યાર્થી છાત્રાલય ચાલે છે. વિદ્યાર્થીઓને ભણવા માટેની સહાય, સુવિધાઓ આપવામાં આવે છે. ઉપરાંત સ્વામીનારાયણ હોસ્પિટલ, તથા પૂર ભૂકંપ જેવી કુદરતી આફતો સમયે પીડિતોને મદદ, ગૌશાળા દ્વારા ગૌસેવા વિગેરે કરવામાં આવે છે. અહીં યજ્ઞશાળા, ભોજનશાળા, યાત્રિક ભુવન વિગેરે સુવિધા પણ છે.
આ સ્થળ નજીક મૂળી તેમજ લોયા જે સ્વામિનારાયણ પંથના જાણીતા ધર્મસ્થાનો છે, ત્યાં જઇ શકાય છે.
– દુર્ગેશ ઉપાધ્યાય
મો. 98243 10679