સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જાહેરાત કરી હતી કે ભારત 2023-24માં કુલ સંરક્ષણ ફાળવણીમાંથી આશરે 75 ટકા ફાળવણીનો ઉપયોગ સ્વદેશી શસ્ત્રો ખરીદવા માટે કરશે. આ મહત્ત્વના નિર્ણયથી વિવિધ શસ્ત્રો અને લશ્કરી પ્લેટફોર્મના સ્વદેશી ઉત્પાદનને વેગ મળશે.
આ નિર્ણયનો અર્થ એવો થાય છે કે સરકાર સ્વદેશી ઉત્પાદકો પાસેથી આશરે રૂ.1 લાખ કરોડની શસ્ત્ર સામગ્રીની ખરીદી કરશે. આગામી નાણાકીય વર્ષ માટેના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ રૂ.1,62,000 કરોડની ફાળવણી કરાઈ છે.
સત્તાવાર માહિતી અનુસાર, 2019-20થી 2021-22 સુધી ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય રૂ.2.58 લાખ કરોડ હતું. 2020-21માં સરકારે કુલમાંથી 58 ટકા ફાળવણી સ્વદેશી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે કરી હતી. 2021-22માં આ પ્રમાણ વધીને 64 ટકા થયું હતું. 2022-23માં સ્વદેશી સંરક્ષણ ઉદ્યોગ પાસેથી કુલ ફાળવણીના 68 ટકા ખર્ચ કરાયો હતો. સ્વદેશી ઉદ્યોગો માટે ફાળવણીમાં વધારાના નિર્ણયને મહત્ત્વપૂર્ણ ગણાવતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ પગલાં પછી આપણો સંરક્ષણ ઉદ્યોગ વધુ ઉત્સાહ સાથે આગળ વધશે તથા દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવામાં યોગદાન આપશે.