કેનેડામાં એક હિંદુ મંદિર પરના હુમલાની સખત નિંદા કરતા ભારતે બુધવારે કેનેડાના સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા જણાવ્યું હતું. મિસીસાગા શહેરમાં 13 ફેબ્રુઆરીએ રામ મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખીને તેમાં તોડફોડ કરાઈ હતી. તેનાથી સમગ્ર ભારતીય સમુદાયમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી.
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે બુધવારે વહેલી સવારે ટ્વિટ કર્યું હતું કે, “અમે મિસીસાગામાં રામ મંદિરને ભારત વિરોધી ચિત્રણ સાથે વિકૃત કરવાની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો પર તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.”
આ ઘટના અંગે બ્રામ્પટનના મેયર પેટ્રિક બ્રાઉનની તીવ્ર પ્રતિક્રિયાઓ આપતા જણાવ્યું હતું કે કેનેડામાં નફરતને કોઈ સ્થાન નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે. મેયર બ્રાઉને બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “મિસીસાગાના રામ મંદિર મંદિરમાં નફરતથી પ્રેરિત તોડફોડ વિશે સાંભળીને મને દુઃખ થયું છે. અજાણ્યા શકમંદોએ મંદિરની પાછળની દિવાલો પર સ્પ્રે પેઇન્ટ કર્યું છે. આ પ્રદેશમાં આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી.
મંદિરના ફેસબુક પેજ પર લખવામાં આવ્યું હતું કે, ‘ઓંટારિયોના મિસિસાગામાં શ્રી રામ મંદિરની દીવાલો રાત્રે (13 ફેબ્રુઆરીએ) વિકૃત કરાઈ હતી અમે આ ઘટનાથી ઘણા પરેશાન છીએ અને અમે આ મામલે યોગ્ય કાયદાકીય એજન્સી સાથે કામ કરી રહ્યા છીએ. મંદિરની દીવાલો પર ખાલિસ્તાની સમર્થક નારા અને ભારત વિરોધી નારા લખાયા હતા.
કેનેડામાં હિન્દુ મંદિરને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. અગાઉ જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટન સ્થિત હિન્દુ મંદિરમાં પણ ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના બની હતી. જેને લઈને હિન્દુ સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.