સ્ત્રી હોય કે યુવતી, પાતળા દેખાવું આજકાલ બધા માટે બહુ મહત્ત્વનું બની ગયું છે. એ માટે તેઓ યોગ કરે, જિમ જોઈન કરે, ડાયટિંગ પણ કરે. પણ ઘણી છોકરીઓ એવી પણ હોય છે જેને આવી બધી મહેનત કરવી નથી ગમતી. તેમને દરેક કપડામાં સ્લિમ અને સુંદર દેખાવું છે. અહીં અમે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ આપી છે એ અજમાવી જુઓ, તમે કશું જ કર્યા વગર પણ પાતળાં દેખાશો.
મૅક્સી ડ્રેસ
કોઈપણ ઋતુ હોય, મૅક્સી ડ્રેસ હંમેશાં ફૅશનમાં રહે છે. મૅક્સી ઉપરથી નીચે સુધી એક જ પ્રકારની હોય છે જેનાથી તમારું શરીર પાતળું દેખાય છે. જોકે એ લેતી વખતે એની પ્રિન્ટનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એવી પ્રિન્ટ લેવી જોઈએ, જેમાં તમે પાતળાં દેખાઓ, જેમ કે લાંબા સ્ટ્રાઇપ્સ, નાનાં ફૂલોની પ્રિન્ટ કે પછી બૉબી પ્રિન્ટ.
સ્ટ્રાઇપ્સ ડ્રેસ /પૅન્ટ્સ
તમને લાંબા પટ્ટાવાળા ડ્રેસ પહેરવા ગમતું હોય તો એ તમને પાતળા લાગવામાં મદદરૂપ થશે. સ્ટ્રાઇપ્સવાળો ડ્રેસ કે પૅન્ટ કંઈ પણ હોય, પસંદગી કરતી વખતે એ જુઓ કે જે પટ્ટાવાળાં કપડાં તમે પહેરવાનાં છો એના પટ્ટા વર્ટિકલ એટલે કે ઊભા હોય અને આ સ્ટ્રાઇપ્સ પાતળા હોય તો વધુ સારું. પહોળા અને આડા પટ્ટામાં તમારું વજન વધુ લાગશે.
સ્ટ્રક્ચર્ડ બ્લેઝર
તમે ફૉર્મલ કપડાંમાં પાતળાં દેખાવા માગતા હો તો તમારા વૉર્ડરૉબમાં એક બ્લેઝર જરૂર જોઈશે. પર્ફેક્ટલી સ્ટ્રક્ચર્ડ બ્લેઝર. એ પહેરીને તમે અત્યંત પાતળાં લાગશો. આ બ્લેઝર કે જૅકેટ કમરના ભાગેથી ફિટ હોય છે જેનાથી તમારું શરીર સુડોળ લાગશે.
હાઇ વેસ્ટ પૅન્ટ અથવા સ્કર્ટ
પૅન્ટ કે સ્કર્ટ પહેરીને પણ તમે પાતળાં લાગી શકો છો. તેના માટે તમારે હાઇ વેસ્ટ પૅન્ટ કે સ્કર્ટની પસંદગી કરવી પડશે. જોકે એને બહુ ઊંચા પહેરવાની જરૂર નથી. તમારી નાભિની ઉપર પહેરશો તો પણ ચાલશે. તેની સાથે ટૉપ કે ટી-શર્ટ ને ટક-ઇન કરીને પહેરવાથી સ્લિમ અને એલિગન્ટ લુક મળશે.
સિંગલ કલર ડ્રેસ
સ્લિમ દેખાવા માટે તમે ડ્રેસ સાથે રંગનો પણ સરસ રીતે ઉપયોગ કરી શકો છો. માથાથી પગ સુધી એક જ રંગનો ડ્રેસ પહેરવાથી તમે સ્લિમ દેખાશો. ખાસ કરીને ઘેરા રંગના ડ્રેસની પસંદગી કરશો તો તમે પાતળા અને લાંબા દેખાશો.
એ-લાઇન ડ્રેસ
ટૉપ, કુરતી અથવા વન-પીસ ડ્રેસમાં તમે જો એ-લાઇન પસંદ કરશો તો તે તમારા શરીરને ફિટ દેખાડશે. આ પ્રકારના ડ્રેસની ખાસ વાત એ છે કે તે નીચેની તરફ પહોળા હોય છે જેથી તમારા પેટના ભાગ પર કોઈનું ધ્યાન નથી જતું.