યુકેમાં ઇસ્લામિક ઉગ્રવાદ ફેલાવવાનો આરોપ ધરાવતા મુસ્લિમ જૂથો સામે સખત કાર્યવાહી કરવા અને પ્રિવેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તેમને અપાતું તમામ જાહેર ભંડોળ પાછું ખેંચવા એક યોજના લવાઇ રહી છે. ઉગ્રવાદ વિરોધી વ્યૂહરચનાનું પુનઃ આયોજન કરવામાં આવશે જેથી આતંકવાદ તરફ દોરી જતા કટ્ટરપંથીઓના સ્વરૂપોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. સમીક્ષાના અહેવાલમાં તાજેતરના વર્ષોમાં કેટલાક સૌથી ખરાબ આતંકવાદી હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ પ્રિવેન્ટની ટીકા કરવામાં આવી છે.
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન આ સુધારાઓ માટે સરકારની યોજનાઓ નક્કી કરવાની તૈયારી કરી રહ્યા છે. મહિનાઓથી વિલંબિત વિલિયમ શૉક્રોસની એક સમીક્ષા આવતા અઠવાડિયે પ્રકાશિત થઈ શકે છે.
આ સમીક્ષામાં, તેમણે કેટલાક મુસ્લિમ સંગઠનો અને વ્યક્તિઓને ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા માટે દોષી ઠેરવ્યા હોવાનું કહેવાય છે. કેટલાકને ફેઇથ અને કોમ્યુનિટી જૂથોને ટેકો આપવા માટે પ્રિવેન્ટના ફંડના ભાગ રૂપે £40 મિલિયનનો ફાયદો થયો હતો.
હોમ ઓફિસ આ જૂથોને પહોંચી વળવા અને તેમને તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ ભંડોળનો અંત આણવા વચન આપશે અને સંકળાયેલી સંસ્થાઓની સખાવતી સ્થિતિની સમીક્ષા કરશે. અન્ય પગલાંઓમાં સંસ્થાઓનો ચેરિટી દરજ્જો પાછો ખેંચવાથી લઇને તેમના ટેક્સ બ્રેક્સ અને અન્ય લાભોને પણ અટકાવવામાં આવશે. શૉક્રોસનો અહેવાલ પ્રકાશિત થાય તે પહેલાં કાનૂની કારણોસર જૂથોનું નામ આપી શકાતું નથી.
સંશોધનમાં જણાયું છે કે છેલ્લા છ વર્ષમાં થયેલા 13 આતંકવાદી હુમલાઓમાંથી સાત હુમલાઓ પ્રિવેન્ટ માટે જાણીતા અપરાધીઓ દ્વારા કરાયા હતા. રેફરલ્સની વિશાળ સંખ્યા ગયા વર્ષે 6,406 પર પહોંચી હતી. રેડીકલાઇઝેશનમાં સૌથી વધુ શાળાના છોકરાઓ સંડોવાયેલા છે અને તેઓ સૌથી વધુ મોટું જૂથ છે અને તેમની સંખ્યા 2,127 છે. તે પછી રાઇટ વિંગ કટ્ટરપંથીઓ છે જેમની સંખ્યા 1,309 છે.
બ્રેવરમેન ભલામણો સ્વીકારે તેવી અને આ સુધારા આ વર્ષના અંતમાં અમલમાં આવે તેવી શક્યતા છે.