પોતાના જીવના જોખમે અમેરિકામાં પ્રવેશતા ભારતીયોની જોખમી વાર્તાઓ તો જગજાહેર છે પણ હવે ભારતીયો ખતરનાક રીતે નાની હોડીઓના માધ્યમથી ઈગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા હોવાની વાતો સામે આવી છે. હવે આવી રીતે ભારતીયો યુ.કે.માં પ્રવેશતા માઇગ્રન્ટ્સનું ત્રીજું સૌથી મોટું જૂથ બની ગયા છે. આ વર્ષે લગભગ 250 ભારતીય માઇગ્રન્ટ્સે નાની બોટમાં ખતરનાક ક્રોસિંગ કર્યું હતું અને ગયા વર્ષે તે આંકડો 233નો હતો.

બ્રિટનની હોમ ઓફિસના રિપોર્ટ અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓ અને એસાયલમ સિકર્સના નિયમોમાં રહેલી છટકબારીનો ઉપયોગ કરીને પોતાના જીવના જોખમે બ્રિટન આવી રહ્યા છે, જે નિયમ એસાયલમ સિકર્સને યુકેમાં ઓછી ફીથી અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. અફઘાનિસ્તાન અને સિરિયાના નાગરિકો અનુક્રમે પહેલા અને બીજા નંબરે આવે છે.

બ્રિટનમાં ભારતીયોના વધતા ગેરકાયદે પ્રવેશ પાછળ સર્બિયામાં મળતા ફ્રી વિઝા કારણભૂત હોવાનું મનાય છે.  ગયા વર્ષના અંત સુધીમાં તમામ ભારતીય પાસપોર્ટ ધારકો 30 દિવસ સુધી વિઝા વિના સર્બિયામાં પ્રવેશ કરી શકતા હતા. જેનો યુરોપિયન યુનિયનની વિઝા નીતિઓ સાથે સંરેખિત કરવાના સર્બિયાના પ્રયાસોના ભાગ રૂપે 1 જાન્યુઆરીથી અંત લવાયો હતો. હોમ ઑફિસના સત્તાવાર આંકડા અનુસાર 2022ના પ્રથમ છ મહિનામાં અલ્બેનિયન (18 ટકા), અફઘાન (18 ટકા) અને ઈરાની (15 ટકા) હતા.

યુકેના નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયનના અધ્યક્ષ સનમ અરોરાએ જણાવ્યું હતું કે, “આ સાંભળીને ખૂબ જ ખલેલ પહોંચે છે અને અમે આવા કૃત્ય વિશે પ્રથમ વખત સાંભળી રહ્યા છીએ. ભારતીય વિદ્યાર્થીઓ કાયદાનું પાલન કરનારા, મેરિટોરીયસ અને ખૂબ જ મહેનતુ છે. યુકેમાં ભણેલા ભારતીય વિદ્યાર્થીઓ ટ્રેઇલબ્લેઝર છે જેઓ ભારત-યુકે સંબંધોનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. કોઈ વિદ્યાર્થીએ ક્યારેય યુકેની વિઝા સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ.”

યુકે સરકારે પીટીઆઈને જણાવ્યું હતું કે ભારત સાથે યુકેની માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ (એમએમપી)નો હેતુ કોઈપણ ગેરકાયદેસર ઇમીગ્રેશનને દૂર કરવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે. ભારત સાથેના અમારા ઇમીગ્રેશન ડીલનો ઉદ્દેશ્ય યુકેમાં રહેવાના અધિકાર વિનાના ભારતીય નાગરિકોને દૂર કરવાનો અને સંગઠિત ઇમિગ્રેશન અપરાધ અંગે વધુ સહયોગ મેળવવાનો છે. ગેરકાયદેસર રીતે નાની બોટ દ્વારા યુકેમાં ઘુસતા લોકોને રોકવા તે વડા પ્રધાન સુનક દ્વારા નિર્ધારિત ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે.

LEAVE A REPLY