પાકિસ્તાનના પેશાવર શહેરના હાઇ સિક્યોરિટી ઝોનમાં સોમવારે બપોરે નમાઝ દરમિયાન મસ્જિદમાં એક તાલિબાન આત્મઘાતી હુમલાનો મૃ્ત્યુઆંક વધીને 100 થયો હતો. આ બોંબ વિસ્ફોટમાં આશરે 225 લોકો ઘાયલ થયા હતા.
રાત્રે મસ્જિદના કાટમાળમાંથી વધુ નવ મૃતદહે બહાર કઢાયા હતા. આ વિસ્ફોટમાં મસ્જિદની છત અને દિવાલ ધરાશાયી થઈ હતી. પેશાવરની મુખ્ય હોસ્પિટલના પ્રવક્તા મુહમ્મદ અસીમ ખાને જણાવ્યું હતું કે 83 લોકો માર્યા ગયા હતા, ઘટનાસ્થળેથી વધુ મૃતદેહો આવ્યા હોવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે.
મસ્જિદમાં બપોરે 1.40 વાગ્યે લોકો નમાઝ પઢી રહ્યાં હતા ત્યારે આત્મઘાતી બોંબરે વિસ્ફોટ કર્યો હતો. આગળની હરોળમાં રહેલા બોંબરે પોતાને ઉડાવી દઇને વિસ્ફોટ કર્યો હતો. મૃતકોમાં મોટાભાગે પોલીસ અને આર્મી જવાનોનો સમાવેશ થતો હતો.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના માર્યા ગયેલા કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીના ભાઈએ દાવો કર્યો હતો કે આત્મઘાતી હુમલો તેના ભાઈનો બદલો હતો, જે ગયા ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં માર્યો ગયો હતો. પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખાતા પ્રતિબંધિત ટીટીપીએ ભૂતકાળમાં સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવીને અનેક આત્મઘાતી હુમલાઓ કર્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલાથી મસ્જિદનો એક ભાગ ધરાશાયી થયો હતો અને તેનાથી કાટમાળમાં કેટલાંક લોકો દટાયા હતા. બ્લાસ્ટના સમયે આ વિસ્તારમાંથી 300થી 400 પોલીસ કર્મચારીઓ હાજર હતા.
વડા પ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની સખત નિંદા કરતા કહ્યું કે આ ઘટના પાછળના હુમલાખોરોને “ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી”. વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે “સ્થાનિક અને સામાન્ય ચૂંટણી પહેલા આતંકવાદી ઘટનાઓ બની રહી છે.