બોલિવૂડ પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકે યુ ટ્યુબ પર સૌથી વધુ સ્ટ્રિમિંગ થયેલા કલાકાર બનીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી છે. ભારતીય સિંગરે બીટીએસ અને ટેલર સ્વિફ્ટને પાછળ રાખીને આ સિદ્ધિ મેળવી છે. સંગીત ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુના અનુભવ સાથે અલકા યાજ્ઞિકે તેમના ભાવપૂર્ણ અવાજ અને લોકપ્રિય બોલિવૂડ ગીતોની મધુર પ્રસ્તુતિથી વિશ્વભરના પ્રેક્ષકોને મોહિત કર્યા છે.
તેમણે ૨૦૨૨માં ૧૫.૩ બિલિયન સ્ટ્રિમનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો હતો. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એક રિપોટ અનુસાર,અલકાના દરરોજ ૪. ૨ કરોડ વખત સ્ટ્રિમ થાય છે. અલકા આ પહેલાં બે વર્ષમાં પણ ટોપ પર રહ્યાં હતા. ૨૦૨૧માં તેમનાં ગીતો ૧૭ બિલિયન અને ૨૦૨૦માં ૧૬. ૬ બિલિયન વખત સ્ટ્રિમ થયાં હતાં.
આ યાદીમાં બેડ બન્નીને ૧૪.૭ બિલિયન સ્ટ્રિમ સાથે બીજું સ્થાન મળ્યું છે. યાદીમાં બાકીના ત્રણ ભારતીય ગાયકો છે જેમાં ઉદિત નારાયણ ૧૦.૮ બિલિયન, અરિજિત સિંહ ૧૦.૭ બિલિયન અને કુમાર શાનુને ૯.૦૯ બિલિયન સ્ટ્રિમ મળી છે. અન્ય લોકપ્રિય અને સૌથી ધનાઢય ગાયકો પણ આટલી વખત સ્ટ્રિમિંગ ધરાવી શક્યા નથી. બીટીએસ ૭.૯૫ અને બલેક પિંક ૭.૩ બિલિયન સ્ટ્રિમ મેળવી શક્યા છે. બોલીવૂડમાં ૯૦ના દાયકામાં રોમાન્ટિક ગીતોનો સુવર્ણકાળ હતો અને તે અરસામાં અલકા યાજ્ઞિાક ટોપની સિંગર હતી.