કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું સોમવાર, 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે સમાપન થયું હતું. આ અંગેના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તથા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા અને અન્ય લોકો હાજર રહ્યાં હતા.
ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી.કન્યાકુમારીથી પગપાળા ચાલીને 4080 કિલોમીટર લાંબી આ યાત્રા 75 જિલ્લામાંથી પસાર થઈને પાર્ટીના સભ્યો અને સામાન્ય જનતાને એકત્રિત કરીને જમ્મુ કાશ્મીર સુધીનું અંતર કાપ્યું હતું. આ યાત્રા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ 12 જાહેરસભાઓ, 100થી વધુ સભાઓ, 13 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
લાલ ચોકમાં તિરંગો લહેરાવવાના 10 મિનિટના કાર્યક્રમ માટે સઘન સુરક્ષા હતી. આ ચોક તરફ જતાં એક કિલોમીટરના તમામ રસ્તાઓ શનિવાર રાતથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને કોઈપણ વાહનની અવરજવરને મંજૂરી આપવામાં આવી ન હતી.