અમેરિકાની સ્ટોક રિસર્ચ કંપની હિન્ડનબર્ગને કરેલા ગેરરીતિ અને શેરના ભાવમાં ચેડાના ગંભીર આક્ષેપોને બિલિયોનેર ગૌતમ અદાણીના ગ્રૂપે ફગાવી દીધા હતા. અદાણી ગ્રૂપે 413 પેજનું નિવેદન જારી કરીને તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું.
રવિવારે એક નિવેદનમાં અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે અમેરિકાની કંપનીનું આચરણ કાયદા મુજબ ગણતરીપૂર્વકના સિક્યોરિટી ફ્રોડ સિવાય બીજુ કંઈ નથી અને તે તેના પક્ષકારોને હિતોના રક્ષણ માટે યોગ્ય પગલાં લેશે. ગ્રૂપે જણાવ્યું હતું કે “આ માત્ર કોઈ એક કંપની પરનો જ બિનજરૂરી હુમલો નથી પરંતુ તે ભારત, ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા તથા ભારતની વૃદ્ધિગાથા અને મહત્વાકાંક્ષા પરનો ગણતરીપૂર્વકનો હુમલો છે.”
અહીં ઉલ્લેખનીય છે કે હિન્ડનબર્ગના ગંભીર આક્ષેપોને પગલે અદાણી ગ્રૂપના શેરના ભાવમાં ભારે ધોવાણ થયું હતું અને તેના માર્કેટકેપમાં બે દિવસમાં 51 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો.
અદાણીના જવાબ અંગે પ્રતિક્રિયા આપતા હિન્ડનબર્ગે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદના નામે કૌભાંડને છુપાવી શકાય નહીં. અદાણી ગ્રૂપે અમારા મુખ્ય આરોપનો જવાબ આપ્યો નથી. ગત સપ્તાહે હિન્ડનબર્ગે એક સનસનીખેજ રીપોર્ટમાં દાવો કર્યો હતો કે દાયકાઓથી અદાણી ગ્રૂપ હિસાબોમાં ફ્રોડ કરે છે અને શેરના ભાવમાં ચેડા કરે છે. હિન્ડનબર્ગે અદાણી ગ્રૂપને કુલ 88 સવાલો કર્યા હતા, પરંતુ અદાણી ગ્રુપે 62 સવાલનો જવાબ આપ્યો હતો. હિન્ડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે અદાણી ગ્રૂપ ટેક્સહેવન દેશોના એકમો સાથે સાંઠગાંઠ ધરાવે છે. અદાણી ગ્રૂપના શેરોના ભાવમાં કૃત્રિમ વધારો થયેલો છે અને તેમાં જંગી ઘટાડો થવાની ધારણા છે.