દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં એક પેસેન્જર બસ બ્રિજ પડતી નીચે ગબડી પડતા સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. આ અકસ્માત બલુચિસ્તાનના લાસબેલા જિલ્લામાં સર્જાયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
રવિવારે વહેલી સવારે લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં એક પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને ખાઈમાં ખાબકી હતી અને તેમાં આગ લાગી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. બસ સ્પીડમાં હતી અને ડ્રાઈવરના કાબુ બહાર જતા આ અકસ્માત સર્જાયો હતો. બેલાના આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું કે, બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાથી કરાચી જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ પછી તેમાં આગ લાગી ગઈ હતી.
પ્રારંભિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બસમાં ઓછામાં ઓછા 48 મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર અર્થે લાસબેલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. અગ્નિશમન દળ, બચાવકર્તા અને સુરક્ષા કર્મચારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી હતી.