ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગોધરા રમખાણો માટે જવાબદાર ઠેરવતી બીબીસીની ટીવી ડોક્યુમેન્ટ્રીનો વિવાદ ભારત અને યુકેમાં વધી રહ્યો છે ત્યારે યુકેના હાઉસ ઓફ લોર્ડ્ઝમાં બેરોનેસ વર્માએ યુકે અને ભારત વચ્ચેના સંબંધોના મહત્વ અને ભાવિ સહયોગને મજબૂત કરવા માટે એક ડીબેટને ટેબલ પર મૂકતા ગુરુવાર 19 જાન્યુઆરી 2023ના રોજ ચર્ચા કરાઇ હતી.
આ ચર્ચામાં લોર્ડ ભીખુભાઇ પારેખ, લોર્ડ કરણ બીલીમોરિયા, લોર્ડ પટેલ, બેરોનેસ વર્મા સહિત વિવિઘ પક્ષોના લોર્ડ્ઝે પોતાના મત વ્યક્ત કરી ભારતની સિઘ્ઘીઓની સરાહના કરી હતી અને ભારત-યુકેના સંબંઘો અંગે પ્રકાશ પાડ્યો હતો. પરંતુ તેઓ બીબીસીની સીરીઝ અંગે ચર્ચા કરવાથી કે તેને વખોડવાથી દૂર રહ્યા હતા.
લોર્ડ પારેખે જણાવ્યું હતું કે ‘’મને લાગે છે કે શ્રી મોદી સારું કામ કરી રહ્યા છે અને ભારતના ગૌરવનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ઘણા ભારતીયો તેમના આત્મસન્માનને પુનઃસ્થાપિત કરતા જુએ છે અને, જ્યારે આપણે તેમની સાથે અસંમત હોઈ શકીએ છીએ, ત્યારે આપણે તેમનું સ્વાગત કરવાનું ચાલુ રાખવું જોઈએ.’’
લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન મોદી ભારત-યુકેના “જીવંત પુલ”માં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. ભારત હવે યુકેને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે આ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી લોકોમાંના એક છે. આજે G20નું પ્રમુખપદ ભારત પાસે છે અને ભારત આગામી 25 વર્ષમાં 32 બિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું વિઝન ધરાવે છે.’’
ક્રોસ બેન્ચર લોર્ડ પટેલે જણાવ્યું હતું કે ‘’યુકે ભારત સાથે મજબૂત વેપારી સંબંધો વિકસાવી રહ્યું છે ત્યારે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ મહત્વનો ભાગ ભજવી શકે છે.
લોર્ડ સહોટાએ જણાવ્યું હતું કે ‘’યુકે અને ભારત સદીઓથી ઘણા ઐતિહાસિક સંબંધો ધરાવે છે. બંને દેશોના વડા પ્રધાનો વચ્ચે 2021ના કરારમાં ભારત-યુકે ભાવિ સંબંધો માટે 2030નો રોડમેપ રહેલો છે. આ ઉન્નત વેપાર ભાગીદારી દ્વારા આપણા બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
લોર્ડ લૂમ્બાએ જણાવ્યું હતું કે ‘’યુકે માટે મહત્વપૂર્ણ છે કે, આગામી દાયકામાં, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપણા બંને દેશો વચ્ચેના સંબંધો બહુ-આયામી છે અને પરસ્પર લાભ માટે મૂલ્યો, મજબૂત પારિવારિક સંબંધો અને સહકારનો રેકોર્ડ ધરાવે છે.
ચર્ચાના અંતે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ મિનિસ્ટર લોર્ડ અહમદે જણાવ્યું હતું કે ‘’આપણે બન્ને દેશો મજબૂત સહકાર ધરાવીએ છીએ અને પડકારો અને બંને પક્ષોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગીએ છીએ. ભારત સાથે યુકનો સંબંધ યુકેની વિદેશ નીતિમાં કેન્દ્રસ્થાને છે. હાલમાં યુકેમાં ભારતીય ડાયસ્પોરાના 1.7 મિલિયન લોકો વસે છે. તત્કાલીન વડા પ્રધાન જોન્સન અને વડા પ્રધાન મોદીએ મે 2021માં નવી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા મજબૂત સંબંધો માટે પ્રતિબદ્ધતા દર્શાવી મહત્વાકાંક્ષી ભારત-યુકે રોડ મેપ લોન્ચ કર્યો હતો. મને આનંદ છે કે ડિસેમ્બરમાં ભારતે આખરે યુકે માટે તેની ઈ-વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરી છે. અમે રોકાણ, જલવાયુ પરિવર્તન, સુરક્ષા, ઉર્જા, વેપાર, સ્વાસ્થ્ય, અંગે વિકાસ કરવા ચર્ચા કરી રહ્યા છીએ.
બેરોનેસ વર્માએ ચર્ચાનું સમાપન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.