અમેરિકાના એટલાન્ટા શહેરમાં રહેતા આણંદ જિલ્લાના કરમસદના એક વ્યક્તિની કથિત અશ્વેત લૂંટારાએ ગોળી મારીને શનિવારે હત્યા કરી હતી. યુવક પોતાના પરિવાર સાથે ઘરે પરત આવ્યા ત્યારે લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં વ્યક્તિની પત્ની અને પુત્રીને ઈજા થઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક પિનલ પટેલને તેમના ઘરની અંદર અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. પરિવાર ભારતીય સમય અનુસાર શનિવારે લગભગ બપોરે 1 વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે આ ઘટના બની હતી. પટેલ પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાખોરો લૂંટ કરવા ઘરની અંદર હતા. 52 વર્ષીય પીનલ પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું કહેવાય છે, જ્યારે તેમની પત્ની રૂપલ, 50, અને તેમની પુત્રી ભક્તિ પટેલ, 17, ગોળીબારની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગુજરાતના મીડિયાના રીપોર્ટ મુજબ મૂળ ગુજરાતના આણંદના કરમસદના 52 વર્ષીય પીનલભાઈ પટેલ અમેરિકાના એટલાન્ટામાં રહેતા હતા. તેઓ પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા. તેઓ ઘરે પરત ફર્યા ત્યારે કાળા લૂંટારાઓએ ઘરમાં ઘૂસીને તેમના પર ગોળીબાર કર્યો હતો. પિનલભાઈ પટેલ તેમની પત્ની રૂપલબેન પટેલ અને 17 વર્ષની પુત્રી સાથે હતા. લૂંટના ઈરાદે અશ્વેત લૂંટારાઓએ કરેલા ફાયરિંગમાં પીનલ પટેલનું મોત થયું હતું. જ્યારે પીનલભાઈની પત્ની રૂપલબેન પટેલ અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કરમસદમાં રહેતા પિનલ પટેલના પરિવારજનો તેની હત્યાના સમાચાર સાંભળીને અસ્વસ્થ બન્યા હતા. બનાવ અંગે કરમસદમાં રહેતા લોકોમાં પણ રોષ ફેલાયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘરમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી. અમેરિકા બિલકુલ સુરક્ષિત નથી. સરકારે આ અંગે પગલાં લેવા જોઇએ.
કરમસદમાં પડોશી નિલેશ પંચાલે જણાવ્યું કે, પિનલભાઇ પટેલ ઉંમરમાં તેમના કરતાં બે વર્ષ મોટા છે પરંતુ બંને સાથે ઉછર્યા છે. દિવાળીના પર્વે જ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પિનલભાઇએ ફોન કર્યો હતો, ત્યારે માતાને મળવા ભારત આવવાની ઇચ્છા વિશે વાત કરી હતી. માતા સાથે રહેવા માટે ખાસ વર્ષ ૨૦૧૯માં ભારત આવ્યા હતા અને એક મહિનો માતા સાથે રહ્યા હતા. અમેરિકામાં રહેતા હોવા છતાં માતા સાથે વિશેષ આત્મીયતા હતી. વર્ષ ૨૦૧૯માં ભારત આવ્યા બાદ વર્ષ ૨૦૨૦માં કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ભારત આવી શક્યા નહોતા
પિનલભાઇ સાથે વીતાવેલા દિવસો વિશે વાત કરતાં નિલેશ પંચાલે જણાવ્યું કે, પિનલભાઇના પિતા વિનુભાઇ પટેલનું ક્વોલિટી આઇસ્ક્રીમનું પાર્લર હતું જેથી બધા તેનોને વિનુભાઇ ક્વોલિટીવાળા તરીકે ઓળખતા હતા. પિનલભાઇએ અભ્યાસ કર્યા બાદ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હતા. પીજના રૂપલબેન સાથે લગ્ન થયા બાદ તેઓ લગભગ ૧૯થી ૨૦ વર્ષ અગાઉ અમેરિકા ગયા હતા. અમેરિકામાં પિનલભાઇ સ્ટોરનું સંચાલન કરતાં હતા અને પરિવારમાં પત્ની રૂપલબેન, દીકરો પૂંજન અને દીકરી ભક્તિ છે. પિતા વિનુભાઇ પટેલ ઘણા વર્ષો અગાઉ દેવલોક પામ્યા છે. માતાની તબિયત સતત નાદુરસ્ત રહેતી હોવાથી સેલવાસમાં રહેતી તેઓની દીકરી રેશ્માબેન સાથે રહે છે.