વિરાટ કોહલી શ્રીલંકા સામેની સીરીઝમાં, ખાસ કરીને વન-ડેમાં જબરજસ્ત ફોર્મમાં રહ્યો હતો અને તેણે બે સદી નોંધાવી હતી. તેમાં પણ રવિવારે 46મી વન-ડે સદી તથા એકંદરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 74મી સદી કરતાં તેની હવે ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સાથે તુલના થવા લાગી છે અને હાલમાં પણ રમતા હોય તેવા ખેલાડીઓમાં તો કોઈ તેની આજુબાજુ પણ ફરકી શકે તેમ ના હોય તેટલો આગળ નિકળી ગયો છે. કુલ આંતરરાષ્ટ્રીય સદીઓમાં પણ કોહલી હવે ફક્ત સચિન તેંડુલકરની 100 સદીઓ પછી બીજા ક્રમે છે.
જો કે, કોહલીએ સચિનના બીજા બે રેકોર્ડ રવિવારે તોડ્યા હતા. તેણે ભારતમાં ઘર આંગણે 21મી વન-ડે સદી કરી તથા કોઈપણ એક દેશ સામે સૌથી વધુ – નવ વન-ડે સદીનો રેકોર્ડ તોડ્યો હતો. સચિનની ઘર આંગણે 20 તથા કોઈપણ એક ટીમ સામે સૌથી – ઓસ્ટ્રેલિયા સામે 9 સદીનો રેકોર્ડ છે.
કોહલીની 74 સદીઓમાં 46 વન-ડે ઉપરાંત ટેસ્ટ મેચમાં 27 અને ટી-20માં એક સદી છે. વન-ડે સદીઓમાં હાલમાં રમી રહેલા ડેવિડ વોર્નર અને જો રૂટ જો કે અનુક્રમે 45 અને 44 સદી સાથે તેનાથી તદ્દન નજીક છે.