અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટસનું વેચાણ કરતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) તરીકે આર એસ સોઢીને દૂર કરવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ વચગાળાના એમડી તરીકે જયેન મહેતાની નિમણુક કરવામાં આવી હતી.
સોમવાર, નવ જાન્યુઆરીએ યોજાયેલી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની બોર્ડ બેઠકમાં સોઢીને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગાંધીનગર મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ પુષ્ટિ કરી હતી કે મહેતા કામચલાઉ ધોરણે તેમનું સ્થાન લેશે. આગામી થોડા મહિનામાં નવા MDની જાહેરાત કરવામાં આવશે.
મહેતા છેલ્લા 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે, અને હાલમાં તેના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) છે. અગાઉ, તેમણે કંપનીના બ્રાન્ડ મેનેજર, ગ્રુપ પ્રોડક્ટ મેનેજર અને માર્કેટિંગ ફંક્શનમાં જનરલ મેનેજર તરીકે સેવા આપી હતી.
GCMMFએ સોઢીના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલી ફેડરેશન બોર્ડની બેઠકમાં ઠરાવ પાસ કરીને સોઢીની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે સ્પષ્ટતા કરતાં સોઢીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી એક્સટેન્શન પર જ હતો. મારી પાસે રાષ્ટ્રીય સ્તરની પણ કેટલીક જવાબદારીઓ છે.
સોઢી 2010થી અમૂલના એમડી પદે હતા. સોઢીએ બેચલર ઓફ એન્જિનિયરિંગ (એગ્રિકલ્ચર) કર્યું હતું અને તેમણે આણંદની જાણીતી ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA)માંથી એમબીએ કર્યું હતું. તેમણે અમૂલમાં સેલ્સમાં સિનિયર મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. અમૂલમાં પોતાની ત્રણ દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે શ્વેતક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની દેખરેખમાં કામ કર્યું હતું. સોઢી બાદમાં અમૂલના એમડી પદ સુધી પહોંચ્યા હતા. 2017માં તેમણે અમૂલના એમડી તરીકે પાંચ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.