બ્રાઝિલના કટ્ટર જમણેરી ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેયર બોલ્સોનારોના સેંકડો સમર્થકોએ રવિવારે, 8 જાન્યુઆરીએ દેશની સંસદ, પ્રેસિડેન્શિયલ પેલેસ અને સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો હતો. તેમના સમર્થકો પોલીસ બેરિકેડ તોડીને સત્તાનું કેન્દ્ર ગણાતા આ ત્રણેય મહત્ત્વની ઇમારતોમાં ઘૂસી ગયા હતા. આ હુમલાને પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ “ફાસીવાદી” હુમલા ગણીને તેની આકરી નિંદા કરી હતી.
લીલા અને પીળા પોશાક પહેરેલા અનેક સમર્થકોથકો બ્રાઝિલિયામાં સંસદમાં ધુસી ગયા હતા.તેઓ પ્રેસિડેન્શિયલ પેલેસની રેમ્પ પર ચડી ગયા હતા. આ આઘાતજનક તસવીરોએ 6 જાન્યુઆરી, 2021 ના રોજ બોલ્સોનારોના સાથી એવા તત્કાલિન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા યુએસ કેપિટોલ બિલ્ડિંગ પરના આક્રમણની યાદ અપાવી હતી.
પ્રેસિડન્ટ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા ત્યારે આ હુમલો થયો હતો. લુલાએ રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તેમની સરકારને વિશેષ સત્તાઓ આપીને બ્રાઝિલિયામાં ફેડરલ હસ્તક્ષેપની જાહેરાત કરતા હુકમનામું પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “આ ફાશીવાદી કટ્ટરપંથીઓએ એવું કંઈક કર્યું છે જે આ દેશના ઈતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું,” આ પીઢ ડાબેરી નેતાએ ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીમાં બોલ્સોનારોને હરાવીને એક અઠવાડિયા પહેલા પદ સંભાળ્યું હતું.