The whole of North India was hit in Sheetalher
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના બાળકો શનિવારે, 7 જાન્યુઆરીએ તંગમાર્ગ વિસ્તારમાં બરફથી ઢંકાયેલી ટેકરી પર બાળકો આનંદ માણી રહ્યાં છે. કાશ્મીર ખીણમાં કોલ્ડવેવથી રાત્રીનું તાપમાન માઈનસ 6.4 ડિગ્રી સેલ્સિયસ સુધી થયું હતું. (ANI ફોટો)

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તરભારત ગયા સપ્તાહે શીતલહેરમાં ઠુંઠવાયું હતું. દિલ્હીમાં રવિવાર, 8 જાન્યુઆરીએ તાપમાનનો પારો ગગડીને 1.9 ડિગ્રી સેલ્સિયસ થયો હતો, જે જાન્યુઆરીમાં છેલ્લાં બે વર્ષનું સૌથી નીચું તાપમાન હતું. કોલ્ડવેવની સાથે ગાઢ ધુમ્મસને કારણે 40 ટ્રેન અને અને 25 ફ્લાઇટ્સના સમયપત્રકને અસર થઈ હતી. દિલ્હીનું લઘુત્તમ તાપમાન સતત ચોથા દિવસે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પ્રખ્યાત હીલ સ્ટેશન કરતાં ઓછું રહ્યું હતું. હાડ થીજવતી ઠંડીને કારણે દિલ્હી સરકારે વિન્ટર વેકેશન લંબાવીને 15 જાન્યુઆરી સુધી કર્યું હતું.

ભારતીય હવામાન વિભાગે સોમવાર, 9 જાન્યુઆરીએ આગાહી કરી હતી કે આગામી બે દિવસ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં ગાઢ થી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે અને ત્યારપછી તીવ્રતામાં ઘટાડો થશે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવાર માટે દિલ્હી સહિત ઉત્તર ભારતના અમુક ભાગો માટે “ઓરેન્જ” એલર્ટ જારી કર્યું હતું, જેમાં ગાઢ ધુમ્મસ, ઠંડા દિવસ અને શીત લહેરની સ્થિતિ યથાવત રહેશે તેવી ચેતવણી આપી છે. IMDના એક વરિષ્ઠ હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે બેક-ટુ-બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ આગામી બે દિવસ પછી ટૂંકા ગાળાની રાહત થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોઈ પ્રદેશની નજીક આવે છે, ત્યારે પવનની દિશા બદલાય છે. આથી, પર્વતો પરથી ઠંડા ઉત્તર પશ્ચિમી પવનો થોડા દિવસો માટે ફૂંકાતા બંધ થઈ જશે, જેના કારણે તાપમાનમાં વધારો થશે.

ઉત્તર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ધુમ્મસનું ગાઢ સ્તર યથાવત રહ્યું હતું, જેના કારણે માર્ગ, રેલ અને હવાઈ વાહનવ્યવહારને અસર થઈ હતી.રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે “ધુમ્મસવાળા હવામાનને કારણે લગભગ 335 ટ્રેનો મોડી પડી હતી તથા 88 ટ્રેન રદ કરવામાં આવી હતી, 31 ડાયવર્ટ કરવામાં આવી છે અને 33 ટૂંકી નિયત સ્થળ પહેલા અટકાવી દેવામાં આવી હતી”

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે સવારે લગભગ 25 ફ્લાઈટ્સ મોડી પડી હતી અને બે ડાઈવર્ટ કરાઈ હતી. ભટિંડા અને આગ્રામાં વિઝિબિલિટીનું સ્તર ઘટીને શૂન્ય મીટર થયું હતું. પટિયાલા, ચંદીગઢ, હિસાર, અલવર, પિલાની, ગંગાનગર, લખનૌ અને કૂચ બિહાર ખાતે 25 મીટર, અમૃતસર અને લુધિયાણા, અંબાલા, ભિવાની, પાલમ (દિલ્હી), ફુરસતગંજ, વારાણસી, મેરઠ, ગયા અને ધુબરી ખાતે વિઝિબિલિટીનું પ્રમાણ 50 મીટર થયું હતું.

દિલ્હીના પ્રાથમિક હવામાન મથક સફદરજંગ વેધશાળામાં તાપમાનનો પારો ગગડીને 1.9 ડિગ્રી સેલ્શિયસ થયું હતું, જે બે વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી નીચું તાપમાન હતું. દિલ્હીનું આ તાપમાન ચંબા (8.2 ડિગ્રી), ડેલહાઉસી (8.2 ડિગ્રી), ધર્મશાલા (6.2 ડિગ્રી), શિમલા (9.5) સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના હિલ સ્ટેશનો કરતાં સતત ચોથા દિવસે નીચું રહ્યું હતું.

આઈએમડીએ જણાવ્યું હતું કે હરિયાણાના હિસારમાં તાપમાનનો પારો ઘટીને 1.4 ડિગ્રી સેલ્સિયસ, પંજાબના આદમપુરમાં 2.8 ડિગ્રી સેલ્સિયસ, ચુરુમાં માઈનસ 0.5 ડિગ્રી અને રાજસ્થાનના પિલાનીમાં 1.5 ડિગ્રી, પ્રયાગરાજમાં 3.2 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તર પ્રદેશના વારાણસીમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ; બિહારના ગયામાં 2.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય અથવા સામાન્ય તાપમાનથી છ ડિગ્રી નીચું તાાપમાન નોંધાય ત્યારે તેને કાતિક શીતલહેર કહેવામાં આવે છે.

LEAVE A REPLY