બાળકો માટે મોબાઇલ ફોન શિક્ષણનું મહત્ત્વનું સાધન બન્યું છે ત્યારે તાજેતરમાં કેરળના બાળ અધિકાર સુરક્ષા પંચે જણાવ્યું હતું કે સ્કૂલોમાં બાળકો મોબાઇલ ફોન લઇને આવ્યા છે કે નહીં તેની ચકાસણી માટે તેમની તપાસ કરવાનું બંધ કરવામાં આવે, કારણ કે તેનાથી બાળકોના સ્વાભિમાન અને ગૌરવને ઠેસ પહોંચે છે.
કમિશને આદેશ આપ્યો હતો કે કેટલીક વિશેષ જરૂરિયાતો માટે માતાપિતાની પરવાનગી સાથે મોબાઇલ ફોન શૈક્ષણિક સંસ્થાઓમાં લઈ જઈ શકાય છે. પંચે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની શારીરિક તપાસ કરવી અને મોબાઇલ ફોન માટે તેમની બેગ સ્કેન કરવી એ અસંસ્કારી અને લોકશાહી સંસ્કૃતિની વિરુદ્ધ છે… તે બાળકોના ગૌરવ અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડવા સમાન છે. તેથી તેને સંપૂર્ણપણે ટાળવું જોઈએ.”
સ્કૂલોમાં બાળકો પર મોબાઇલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધની ટીકા કરતાં પંચે તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર કાયદાઓ અને બંધારણ દ્વારા સુનિશ્ચિત કરાયેલા મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન છે. મોબાઇલ ફોન આજના જીવનનો અવિભાજ્ય હિસ્સો બની ગયા છે તથા સમયની જરૂરિયાત એ છે કે તેઓ તેના વ્યસની ન બને તે માટે વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ અપનાવે.
આદેશમાં જણાવાયું છે કે હાલમાં, રાજ્યની શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે અને કમિશનનું વલણ પણ છે કે બાળકોએ શાળાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બાળકો માતાપિતાની મંજૂરી સાથે ખાસ જરૂરિયાતો માટે મોબાઇલ ફોન લઇ જઇ શકે છે. સ્કૂલ સત્તાવાળાએએ વર્ગખંડ ચાલુ હોય ત્યાં સુધી મોબાઇલ ફોને સ્વીચ ઓફ કરીને રાખવાની વ્યવસ્થા કરવો જોઇએ.
એક બાળકનો મોબાઇલ ફોન સ્કૂલ સત્તાવાળાએ જપ્ત કર્યા બાદ તેના માતાપિતાએ કમિશનમાં ફરિયાદ કરી હતી. પંચના ચેરમેન કે વી મનોજ કુમાર તથા બી બબિથા અને રેની એન્ટનીની બનેલી કમિશનની સંપૂર્ણ બેન્ચે આ આદેશ આપ્યો હતો.