કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા ઉત્તરાખંડ સરકારે રવિવાર, 8 જાન્યુઆરીએ જોશીમઠના તમામ નવ મ્યુનિસિપલ વોર્ડને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ‘આપત્તિ પ્રભાવિત’ અને ‘રહેવા માટે અસુરક્ષિત’ જાહેર કર્યા હતા. જમીન ધસી રહી હોવાથી આ પવિત્ર શહેરમાં 600થી વધુ મકાનોમાં તિરાડો પડી છે અને સમગ્ર શહેરના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. આ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને શક્ય તમામ મદદ કરવાનું વચન આપ્યું હતું.
રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ રણજીત કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે ઉત્તરાંચલ ડિઝાસ્ટર મિટિગેશન, મેનેજમેન્ટ એન્ડ પ્રિવેન્શન એક્ટ 2005ની કલમ 23 હેઠળ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જોશીમઠમાં ઘરોનું સર્વેક્ષણ કરી રહેલી નિષ્ણાત ટીમે ભલામણ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) હિમાંશુ ખુરાનાએ જણાવ્યું હતું કે જોશીમઠની મ્યુનિસિપલ હદમાં ગાંધીનગરના બે ઝોન, સિંઘદરમાં એક ઝોન, મનોહર વોર્ડમાં બે અને સુનીલ વોર્ડમાં એક ઝોનનો સહિતના ચાર વિસ્તારોને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નો એન્ટ્રી ઝોન બનાવવામાં આવ્યા છે. અમે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ તૈનાત કરી છે અને અધિકારીઓને આ ઝોનમાંથી લોકોને બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો છે.”
ખુરાનાએ જણાવ્યું હતું કે આપત્તિ વ્યવસ્થાપન ધારાની કલમ 23 મુજબ આ વિસ્તાર આપત્તિગ્રસ્ત વિસ્તાર છે. આ સમયગાળા દરમિયાન તેઓ આપત્તિ અટકાવવા, આપત્તિની અસરોને ઘટાડવા, કટોકટી રાહતની સુવિધા તથા પુનઃનિર્માણ અને મોનિટરિંગ સહિતની કામગીરી કરી શકશે.
તિરાડો સાથેના મકાનોની સંખ્યા વધી 610 થઈ
જોશીમઠમાં કુલ 4,500 મકાનો છે જેમાંથી 610માં મોટી તિરાડો પડી ગઈ છે અને તે રહેઠાણ માટે અયોગ્ય બન્યા છે. હજુ સર્વે ચાલુ છે અને અસરગ્રસ્ત ઈમારતોની સંખ્યા વધી શકે છે. જોશીમઠમાં છેલ્લા ઘણા સમયથી જમીન ધસી રહી છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ઘરો, ખેતરો અને રસ્તાઓમાં મોટી તિરાડોમાં વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે શહેરની નીચે પાણીની કેનલ ફાટી ગયા પછી પરિસ્થિતિ દેખીતી રીતે વણસી ગઈ છે.