અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રવિવાર, 8 જાન્યુઆરીથી આઠ દિવસ લાંબા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023 પ્રારંભ થયો હતો. આ વખતે કાઈટ ફેસ્ટિવલની થીમ G20 સમિટ આધારિત છે. સવારે આઠ વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેનારા આ પતંગ મહોત્સવમાં 56 દેશોના 126 પતંગબાજો, 14 રાજ્યના 65 પતંગબાજો અને ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો જોડાયા છે.
ગુજરાત પ્રવાસન વિભાગ આ વર્ષે નવો રેકોર્ડ સર્જવાની તૈયારી કરી છે. જેમાં વિવિધ દેશોના પતંગબાજો દ્વારા એક સાથે પતંગ ઉડાવવાના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ પણ હાથ ધરવામા આવશે. મહત્વનુ છે કે, દર વર્ષની જેમ વિવિધ પ્રવાસન અને યાત્રાધામના સ્થળોએ પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગરમાં, 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની અને નર્મદા, 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા, 13 જાન્યુઆરીના રોજ સફેદ રણ-ઘોરડો-કચ્છ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.