ઉત્તરાખંડમાં આવેલા પ્રાચીન નગર અને પવિત્ર યાત્રાધામ જોશીમઠ નેસ્તનાબૂદ થવાના આરે આવી ગયું છે. સમગ્ર શહેરની જમીન ખસી રહી હોવાથી ભૂસ્ખલન થઈ રહ્યો છે અને 600 મકાનમાં તિરાડો પડી ગઈ છે. જમીનમાં પણ મોટી મોટી તિરાડો પડી ગઈ છે.
અહીં આવેલો શંકરાચાર્યનો આશ્રમ જ્યોતિર્મઠ પણ ધરાશાયી થવાની સ્થિતિમાં છે. શહેરના લોકોમાં દહેશત ફેલાઇએ છે, કારણ કે ગમે ત્યારે તેમના મકાનો ધરાશાયી થઈ શકે છે.
શહેર પરની આ અભૂતપૂર્વ કુદરતી આપત્તિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યમાં પુષ્કર સિંહ ધામી સરકારે ૬૦૦ પરિવારોને સલામત સ્થળે ખસેડવા આદેશ આપ્યો છે. તેમને ખસેડવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરાઈ છે. સીએમઓ તરફથી દરેક અસરગ્રસ્ત પરિવારને ૬ મહિના સુધી માસિક ૪,૦૦૦ રૂપિયા અપાશે.
17,000 લોકોનું નગર હિંદુ અને શીખ મંદિરોના તીર્થસ્થાનોનું પ્રવેશદ્વાર છે તથા હિમાલયના ભાગોને ટ્રેક કરવા માંગતા પ્રવાસીઓમાં લોકપ્રિય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠ શહેરમાં ભૂસ્ખલન, જમીન ધસી પડવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી જમીનની નીચેથી તેમજ ઘરોમાંથી પાણી નીકળી રહ્યું છે. સ્થિતિ એટલી કથળી છે કે ૬૦૦થી વધુ મકાનોમાં મોટી મોટી તિરાડો પડી છે. જમીન ફાટી રહી છે.
સમુદ્ર સપાટીથી ૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ ઐતિહાસિક શહેરનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે ત્યારે જોશીમઠ અને તેની આજુબાજુ ચાલી રહેલા વિકાસકામો અટકાવી શહેરની તારાજી રોકવા શનિવારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શંકરાચાર્યના પૌરાણિક આશ્રમ જ્યોતિર્મઠમાં પણ તિરાડો પડી છે.
ઉત્તરાખંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઔદ્યોગીકરણ, શહેરીકરણ યોજનાઓ તથા પ્રાકૃતિક સંશાધનોના વિનાશના કારણે મોટાપાયે પર્યાવરણ, ઈકોલોજી અને ભૂગર્ભીય ગડબડ થઈ છે. માનવ જીવન અને તેના ઈકોલોજી તંત્રની કિંમત પર કોઈપણ વિકાસની જરૂર નથી. આવું કંઈ પણ થઈ રહ્યું હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકારે તાત્કાલિક આ કામ યુદ્ધના સ્તરે રોકવા જોઈએ.જોશીમઠ બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્થળ ઔલી જેવા પ્રખ્યાત સ્થળોનું પ્રવેશ દ્વાર છે. આ સ્થળ આદીગુરુ શંકરાચાર્યની તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે.