ગુજરાતમાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તથા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેના પરિણામે વર્ષ 2047માં નાગરિકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટરથી વધારીને 1700 ક્યુબીક મીટર કરવાનો રાજ્ય સરકારનો ઇરાદો છે. ભારત સરકારના જળ સંશાધન, જળ શક્તિ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે દેશના ત્રીસ રાજ્યોની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઇ છે જેમાં દેશના ત્રીસ રાજયોના પ્રધાનો, કેન્દ્ર સરકારના જળસંશાધન, જળશક્તિ મંત્રાલયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા છે.
ભોપાલ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં સહભાગી થતા ગુજરાતના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે કે, ગુજરાતે વોટર વિઝન અને અછત નિવારવા પાણીના યોગ્ય સંશાધનોમાં સુનિશ્ચિત ઉપયોગ માટે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. તેમણે રાજ્યના ૨૦૪૭ના વોટરવિઝન અને ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં અછતગ્રસ્ત પાણીના અભાવવાળા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે કરેલા આયોજનની વિકસીત રૂપરેખા પ્રેઝન્ટેશન દ્વારા આવી હતી.
પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાના લીધે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન ૨૦ વર્ષમાં અઢી ગણું વધ્યું છે. પશુપાલન ક્ષેત્રે ઉત્પાદન પાંચ ગણું જેટલું વધ્યું છે અને મોરબી, કચ્છ અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો કે જ્યાંથી લાખોની સંખ્યામાં લોકો બીજા વિસ્તારમાં જતા હતા તેની જગ્યાએ સ્થાનિક રોજગારીનું સર્જન કરીને રાજ્યના તેમજ બહારના લોકોને પણ રોજગારી આપતાં ધમધમતાં કેન્દ્રો તરીકે વિકસ્યા છે. ૨૦ વર્ષમાં ડાર્ક ઝોન જેવા અને ક્રિટિકલ એરિયામાં જે તબદીલી થયેલ તેના પણ આંકડા સાથે વિગત રજૂ કરતા તેમણે જણાવ્યુ હતુ કે ક્રિટિકલ, સેમી ક્રિટિકલ અને ડાર્ક ઝોનમાં રાજ્ય સરકારે ૨૦ વર્ષમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.