ગુજરાતમાં યાત્રાધામોના વિકાસ અને વિવિધ સુવિધા ઊભી કરવા માટે રાજ્ય સરકારે બુધવારે રૂ.૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ હેઠળ અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, કચ્છ-માતાનો મઢ અને માધવપુરના કૃષ્ણ-રૂક્ષ્મણી ધામ વિગેરેનો સર્વગ્રાહી વિકાસ કરાશે.
અંબાજી શક્તિપીઠ ખાતે ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ ઉજવાશે. આની સાથે આઠ પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવણી માટે ૧૭ કરોડનું બજેટ ફાળવાયું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજીને રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. તેમાં ૮ પવિત્ર યાત્રાધામ, ર૮ અન્ય મહત્વના યાત્રાધામો અને ૩પ૮ સરકાર હસ્તકના દેવ સ્થાનકોના વિવિધ વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગે ચર્ચા કરાઈ હતી.
સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થા સ્થાનોના સર્વાંગી વિકાસ માટે નાણાં ફાળવણી કરાશે. આ ઉપરાંત દહેગામ પાસેના કંથારપુરના વિશાળ વડના વિકાસના પ્રથમ તબક્કા માટે રૂ.6 કરોડ, માધવપુરમાં રૂ. ૪૮ કરોડ, માતાના મઢ ખાતે રૂ.૩૨ કરોડના વિકાસ કામોની ચર્ચા થઇ હતી.