ક્રિકેટર અઝીમ રફીકના ઘરના બગીચામાં વંશીય પ્રેરિત હુમલામાં એક શ્વેત યુવાને શૌચ કર્યા પછી સાઉથ યોર્કશાયર પોલીસે ગુરુવારે તા. 29ના રોજ હેટ ક્રાઇમ તપાસના સંબંધમાં એક વ્યક્તિની સીસીટીવી ઇમેજ બહાર પાડી છે. આ ઘટના 5 ઑક્ટોબરની સાંજે 6.18 કલાકે બાર્ન્સલીના ગૉબર રોડ પર એક સરનામાના આગળના બગીચામાં બની હતી.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એવું માનવામાં આવે છે કે પબ્લિક  ઓર્ડર ઓફેન્સની આ ઘટના વંશીય રીતે પ્રેરિત છે. અમે આ માણસ સાથે વાત કરવા વિચારી રહ્યા છીએ. તમે તે વ્યક્તિને ઓળખતા હો, કોઈ માહિતી હોય, તો કૃપા કરીને અમને ઓનલાઈન અથવા 101 પર કૉલ કરીને જાણ કરો.”

ઈંગ્લેન્ડની અંડર-19 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પાકિસ્તાની વંશના યોર્કશાયરના ભૂતપૂર્વ ખેલાડી રફીકે નવેમ્બર 2021માં ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ (DCMS) કમિટીને જણાવ્યું હતું કે તેની સાથે સતત જાતિવાદી દુર્વ્યવહાર થયો હતો અને યોર્કશાયરમાં તેણે આત્મહત્યા કરવાનો વિચાર પણ કર્યો હતો.’’

તેના સંસ્થાકીય જાતિવાદના આક્ષેપોએ ઇંગ્લિશ ક્રિકેટને હચમચાવી નાખ્યું હતું અને તેના કારણે ક્લબમાં વ્યાપક ફેરફારો થયા હતા અને અન્ય પીડિતોને આગળ આવવા પ્રોત્સાહિત કર્યા હતા.

રફિકે કહ્યું હતું કે ગયા વર્ષે તેણે કાઉન્ટી ક્લબના પોતાના અનુભવો વિશે બોલ્યા પછી તેને ઇંગ્લેન્ડની ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને તેને હજુ પણ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ના સમર્થનનો અભાવ છે.’’

રફીકે આ મહિને સંસદસભ્યોને જણાવ્યું હતું કે, “મારા કુટુંબને દુર્વ્યવહાર, ધમકીઓ અને હુમલાઓનું નિશાન બનાવવામાં આવ્યું છે અને તે મુશ્કેલ બાબત છે.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments