BJP leaders

આઝાદીની ચળવળમાં ભાજપનો એક કૂતરો પણ મર્યો નથી, તેવી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વિવાદાસ્પદ ટીપ્પણીને સમર્થન આપતાં શિવસેના (ઉદ્ધવ ગ્રૂપ)ના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે ખડગેએ સાચુ કહ્યું છે અને તેનાથી ગુસ્સે થવાની જરૂર નથી. મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસની બેન્કર પત્ની અમૃતા ફડનવીસની નરેન્દ્ર મોદીને ન્યુ ઇન્ડિયાના રાષ્ટ્ર પિતા ગણાવતી ટીપ્પણીની પણ રાઉતે આકરી ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે ભાજપના નેતાઓ આ મુદ્દે સંમત થાય છે કે ખરા.    

શિવસેનાના મુખપત્ર સામનામાં સાપ્તાહિક કોલમ ‘રોખઠોક’માં રાઉતે લખ્યું છે કે એ વાત સાચી છે કે ભાજપ પાસે પોતાનો કોઇ હીરો નથી અને તેથી જ તેને ખાસ કરીને કોંગ્રેસના મહાપુરુષોની ચોરી કરવી પડે છે.  

સંજય રાઉતે લખ્યું હતું કે “કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આઝાદીની ચળવળમાં ભાજપનો એક કૂતરો પણ મર્યો નથી. આ ટિપ્પણીથી ભાજપના નેતાઓ ભડક્યા છે, પરંતુ ખડગેજીએ સાચું છે તે કહ્યું છે. તેનાથી ગુસ્સે થવાની શું જરૂર છે? શું ભાજપ પાસે આનો કોઈ જવાબ છે?”   

રાઉતે વધુમાં લખ્યું છે કે “એક તરફ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી બીજેપી નારાજ થઈ ગઈ છે અને બીજી તરફ અમૃતા ફડણવીસે પીએમ મોદીને ન્યૂ ઈન્ડિયાના રાષ્ટ્રપિતા કહ્યા… અમૃતા ફડણવીસ એક વ્યક્તિ છે અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપ તેમના અભિપ્રાયને સમર્થન આપે છે.”   

શિવસેનાના સાંસદે જણાવ્યું હતું કે “દરેક વ્યક્તિએ નરેન્દ્ર મોદીનું સન્માન કરવું જોઈએ, કારણ કે તેઓ દેશના વડા પ્રધાન છે. પરંતુ મહાત્મા ગાંધીને લોકો રાષ્ટ્રપિતા કહે છે. કોઈ નવું ભારત કે જૂનું ભારત નથી અને તેથી નવા ભારતના કોઈ પિતા નથી.”  

તેમણે જણાવ્યું હતું કે હવે બીજેપી વીર સાવરકર પર પોતાનો દાવો કરી રહી છે, પરંતુ સાવરકરે હંમેશા RSS સામે વાંધો ઉઠાવ્યો હતો અને ‘નવા ભારતના પિતા’ એ સાવરકરને સન્માન આપવાનો કોઈ નિર્ણય કર્યો નથી.  

 

LEAVE A REPLY