નોર્થ વેસ્ટ લંડનના આઇકોનિક નીસડન મંદિરના સર્જક પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિની શાનદાર ઉજવણી તા. 19 ડિસેમ્બરના રોજ યુકેની પાર્લામેન્ટમાં એક વિશેષ સ્મારક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી.
વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણાદાતા અને પ્રેમ, શાંતિ અને સંવાદિતાના વૈશ્વિક રાજદૂત એવા પ્રમુખ સ્વામી મહારાજે માનવતાના વધુ સારા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા 1970થી અને 2007ની વચ્ચે યુકેની કુલ 19 મુલાકાતો દરમિયાન તેમણે આપેલા અસંખ્ય યોગદાન અને તેમના મૂલ્યો તથા સંસ્કૃતિના વારસાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.
આ કાર્યક્રમમાં એમપી બેરી ગાર્ડીનર, એમપી નવેન્દુ મિશ્રા, લો4ડ ડોલર પોપટ, લોર્ડ રેમી રેન્જર, પૂર્વ GLA સદસ્ય નવિનભાઇ શાહ, GLA સદસ્ય કૃપેશ હિરાણી સહિત વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના યજમાન અને પ્રમુખસ્વામી મહારાજની ઊંડી અસર ધરાવતા લોર્ડ જીતેશ ગઢિયાએ જ ણાવ્યું હતું કે ‘’આપણા સમયના મહાન ધાર્મિક નેતાઓમાંના એક પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે BAPS સાથે સહયોગ કરવો એ ખૂબ જ સન્માનની વાત છે. આજ હાઉસ ઓફ કોમન્સમાં પૂ. પ્રમુખ સ્વામીનું 1988માં ઉપરના માળે આવેલા કમિટી રૂમમાં સાંસદો દ્વારા સન્માન કરાયું હતું. ગત સમરમાં નીસડન મંદિર ખાતે 10-દિવસીય પ્રેરણા ઉત્સવનું પણ આયોજન કરાયું હતું. આપણે અહીં લંડનમાં ઉજવણી કરીએ છીએ તેમ અમદાવાદમાં એક વધુ મોટો સ્મૃતિ સમારંભ ચાલી રહ્યો છે. એક મહિનાના એક્સ્ટ્રાવેગેન્ઝા ઉત્સવનું ઉદઘાટન ગયા અઠવાડિયે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આજે, મને આનંદ છે કે આપણા વડાપ્રધાન ઋષિ સુનકે પણ આ માટે ખાસ રેકોર્ડ કરેલ સંદેશ અહિં રજૂ કરી શકીએ છે.’’
લોર્ડ ગઢીયાએ કહ્યું હતું કે ‘’ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે “પ્રમુખ સ્વામીએ માત્ર સદ્ગુણો જ શીખવ્યા ન હતા તેઓ તેને દરરોજ જીવતા હતા.” પ્રમુખ સ્વામીના અગ્રણી કાર્યોએ આખા દેશમાં એક મજબૂત વારસો છોડ્યો છે. તેઓ યુકેમાં વસતા તમામ 10 લાખ બ્રિટિશ હિન્દુઓ માટે ગૌરવનો સ્ત્રોત બની ગયા છે. તેમનું તે કાર્ય યુકેમાં BAPSની વધતી જતી પ્રવૃત્તિઓ દ્વારા, માન્ચેસ્ટર અને બર્મિંગહામમાં તાજેતરમાં ખોલાયેલા નવા મંદિરો સાથે ચાલુ છે. અને હવે ખૂબ જ ગર્વની વાત છે કે પ્રથમ હિંદુ મંદિરો અબુ ધાબી અને પેરિસમાં બની રહ્યા છે.’’
લોર્ડ ગઢીયાએ પૂ. સ્વામીજીની 1984માં વેટિકન ખાતે પોપ જોન પોલ II સાથેની મુલાકાત તથા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ તથા વર્ષ 2000 માં પૂ. પ્રમુખ સ્વામીએ તત્કાલિન મહાસચિવ કોફી અન્નાન દ્વારા ન્યુયોર્કમાં આયોજિત કરાયેલી સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સમિટને કરેલા સંબોધનની યાદ તાજી કરી હતી.
વડા પ્રધાન, ઋષિ સુનકે, પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રશંસા અને કૃતજ્ઞતા અર્પણ કરતા સંદેશમાં જણાવ્યું હતું કે “પ્રમુખ સ્વામી મહારાજ બીજાના આનંદમાં, આપણો પોતાનો આનંદ રહે છે તેવા પોતાના સુત્ર સાથે જીવ્યા હતા. છેલ્લા 50 વર્ષોમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજના પ્રયત્નો અજાણ્યા નથી. મંદિરના રસ્તાનું નામ પ્રમુખ સ્વામીના નામ પર રાખવામાં આવ્યું છે અને આપણા દેશ માટે તેમની સેવા અને સમર્થનને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રતિષ્ઠિત વેમ્બલી સ્ટેડિયમની કમાનને પ્રકાશિત કરાઇ છે.’’
ભારતના યુકે સ્થિત હાઇ કમિશ્નર HE વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે ‘’પૂ. પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમ, સેવા અને સંવાદિતાના સુત્રને સાકાર કરતું જીવન જીવ્યા હતા. લોકોની સેવા કરવી એજ BAPS સંસ્થાનો હેતુ રહ્યો છે. આ જ સંદેશ મોટાભાગના ધર્મો દ્વારા પણ આપવામાં આવ્યો છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને વિખ્યાત કવિ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે પણ આ જ સંદેશ આપ્યો છે. સેવાનો આ જ સંદેશ BAPS સંસ્થાએ પોતાના રોજબરોજના વિવિધ સેવા કાર્યો દ્વારા આત્મસાત કર્યો છે. મને ગત દિવાળીના અન્નકૂટ મહોત્સવ દરમિયાન તે જોવા મળ્યું હતું. તે વખતે હજ્જારો વોલંટીયર્સે સૌ કોઇને ભોજન મળી રહે તે માટે પ્રયત્નો કર્યા હતા. બાળ કલાકાર ચક્રવર્તીએ મહાત્મા ગાંધીના પ્રિય ભજન વૈષ્ણવ જનને વાંસળી પર રજૂ કર્યું તે ભજન પણ અન્યોની પીડા ભાંગવાનો જ સંદેશ આપે છે.’’
નીસડન ટેમ્પલના ટ્રસ્ટી ડૉ. મયંક શાહે ઉમેર્યું હતું કે “પ્રમુખ સ્વામી મહારાજ તેમના અથાક અંગત પ્રયાસો દ્વારા અસંખ્ય પરિવારો અને સમુદાયોને એકસાથે લાવ્યા હતા જે તેમનું સૌથી મોટું યોગદાન હતું. અમે આશા રાખીએ છીએ કે તેમનો વારસો શાંતિની પ્રેરણા આપશે અને આવનારી પેઢીઓ માટે આશા ઉભી કરશે.”