ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુભ્રકાંત પાંડાએ નવી દિલ્હીમાં આયોજિત સર્વોચ્ચ ચેમ્બરના 95માં વાર્ષિક અધિવેશનમાં શ્રી સંજીવ મહેતા પાસેથી 2022-2023 માટે FICCI પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડૉ. અનીશ શાહની FICCIના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે અને ઇમામી લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી હર્ષવર્ધન અગ્રવાલની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરાઇ હતી.
ચેમ્બરનું નેતૃત્વ કરનાર ઓડિશાના પ્રથમ ઉદ્યોગપતિ શ્રી પાંડા FICCIની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. બે દાયકાથી FICCIમાં પાંડા FICCI નેશનલ મેન્યુફેક્ચરિંગ કમિટીના વડા ઉપરાંત FICCI ઓડિશા સ્ટેટ કાઉન્સિલના પ્રથમ અધ્યક્ષ હતા. શ્રી પાંડા ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (ઇન્ડિયા ચેપ્ટર) અને પેરિસ સ્થિત ઇન્ટરનેશનલ ક્રોમિયમ ડેવલપમેન્ટ એસોસિએશન (ICDA)ના ભૂતકાળના પ્રમુખ પણ છે.
ડૉ. અનીશ શાહ 2014માં મહિન્દ્રા ગ્રૂપમાં, ગ્રૂપ પ્રેસિડેન્ટ (સ્ટ્રેટેજી) તરીકે જોડાયા હતા. ડૉ. અનીશ 2009-2014 સુધી GE કેપિટલ ઈન્ડિયાના પ્રમુખ અને CEO હતા જ્યાં તેમણે 14 વર્ષ સેવા આપી હતી. તેમણે બેન્ક ઓફ અમેરિકાના યુએસ ડેબિટ પ્રોડક્ટ્સ બિઝનેસનું નેતૃત્વ કર્યું હતુ. તો બોસ્ટનમાં બેઈન એન્ડ કંપનીમાં સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ તરીકે, બેંકિંગ, ઓઈલ રિગ્સ, પેપર, પેઈન્ટ, સ્ટીમ બોઈલર અને મેડિકલ ઈક્વિપમેન્ટ સહિતના બહુવિધ ઉદ્યોગોમાં કામ કર્યું હતું. ડૉ. અનીશે કાર્નેગી મેલોનની ટેપર સ્કૂલ ઑફ બિઝનેસમાંથી Ph.D કર્યું છે.
FICCIના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હર્ષ વી. અગ્રવાલ સૌથી યુવા અને સૌથી આશાસ્પદ બીજી પેઢીના નેતાઓમાંના એક છે. તેઓ ઇમામી ગ્રુપના સ્થાપક શ્રી રાધે શ્યામ અગ્રવાલના નાના પુત્ર છે. હર્ષે 2008માં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્ક્સ લિમિટેડના સંપાદનનું આયોજન કર્યું હતું. 2015માં કેશ કિંગને ઈમામીના પોર્ટફોલિયોમાં ઉમેર્યું હતું.