સજાતીય લગ્ન બિલને સંઘીય કાયદા તરીકે મંજૂર કર્યા પછી, બાઈડેને ટ્વિટ કર્યું, ‘આજનો દિવસ સારો છે. અમુક લોકોની સ્વતંત્રતા અને ન્યાય માટે જ નહીં, પરંતુ બધા માટે આજે અમેરિકાએ સમાનતા તરફ વધુ એક પગલું ભર્યું છે.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને સજાતિય લગ્નોને મંજૂરી આપતા ઐતિહાસિક બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ મહત્ત્વના બિલને મંજૂરી માટે વ્હાઇટ હાઉસમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. નવા યુએસ કાયદામાં સજાતીય લગ્નોને સંઘીય સુરક્ષા મળશે. આ કાયદો યુએસના તમામ રાજ્યોમાં સજાતીય લગ્ન કરનારા યુગલોના અધિકારોને પણ માન્યતા આપશે અને તેનું રક્ષણ કરશે.
અમેરિકાના નીચલા ગૃહમાં બિલ પર થયેલા વોટિંગમાં બિલના સમર્થનમાં 258 વોટ પડ્યા હતા જ્યારે 169 વોટ વિરોધમાં પડ્યા હતા. મોટી વાત એ છે કે વિપક્ષી રિપબ્લિકન પાર્ટીના 39 સાંસદોએ પણ બિલને સમર્થન આપ્યું હતું. ગયા અઠવાડિયે યુએસ સેનેટ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. તેની તરફેણમાં 61 અને વિરોધમાં 36 મત પડ્યા હતા.
આ કાયદાથી એલજીબીટીકયુઆઈ અને આંતરજાતીય લગ્ન કરનારા યુગલોને માનસિક શાંતિ મળશે. તેમના અધિકારો અને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. તેઓ અને તેમના બાળકો તેના હકદાર છે. બાઈડેને સજાતીય લગ્નને કાયદેસર બનાવવા માટે લડતા યુગલો અને વકીલોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ લોકોએ યુએસ સુપ્રીમ કોર્ટ અને કોંગ્રેસમાં દેશવ્યાપી લગ્ન સમાનતા સુરક્ષિત કરવા માટે દાયકાઓ સુધી લડત આપી હતી.