BJP protests across the country against Bilawal's remarks against Modi
ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ શનિવારે પણજીમાં પાર્ટી કાર્યાલયની નજીક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના નિવેદન અંગે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી સામે વિરોધ પ્રદર્શન કર્યું. (ANI ફોટો)

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેના વાંધાજનક અને અસંસ્કારી વ્યક્તિગત શાબ્દિક હુમલા સામે ભાજપે શનિવાર (17 ડિસેમ્બર)એ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ રાજ્યોની રાજધાનીઓમાં માર્ચ કાઢી, ભુટ્ટોના પૂતળા બાળ્યા હતા અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. દેખાવકારોએ ભુટ્ટોને “વિદ્વેશ મંત્રી” કહ્યા હતા અને માંગણી કરી હતી કે ભુટ્ટો ભારતની 135 કરોડની જનતાની માફી માંગે.

પાર્ટીએ જણાવ્યું હતું કે “સમગ્ર ભારત ભુટ્ટોની ટિપ્પણીની નિંદા કરવા અને વિરોધ કરવા માટે એકજૂથ થયો છે. દરેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લખનૌમાં પાર્ટી કાર્યકર્તાઓની કૂચનું નેતૃત્વ ઉત્તર પ્રદેશ બીજેપીના વડા ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ કર્યું હતું અને પટનામાં રાજ્ય બીજેપીના વડા સંજય જયસ્વાલની આગેવાની હેઠળ દેખાવો થયા હતા. ભાજપના હજારો કાર્યકરોએ ઉત્તર પ્રદેશ ભાજપ કાર્યાલયથી અટલ ચોક સુધી કૂચ કરી હતી તથા બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળું પણ બાળ્યું હતું. ઉત્તર પ્રદેશ ભાજપે કહ્યું કે ભુટ્ટોની ટિપ્પણી તેમની હતાશા અને માનસિક નાદારી દર્શાવે છે. આજે વિશ્વ મંચ પર પાકિસ્તાનની ઓળખ આતંકવાદને પોષનાર અને પ્રોત્સાહન આપનાર દેશની બની ગઈ છે. પાકિસ્તાનમાં આતંકવાદની ફેક્ટરી ચાલે છે.

ઉત્તર પ્રદેશમાં, અમેઠી, ઉન્નાવ, મુઝફ્ફરનગર, બાગપત, ભદોહી, બલિયા, મેરઠ, બુલંદશહર, મહારાજગંજ અને બુદૌનમાંથી પણ વિરોધના અહેવાલો મળ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં બીજેપી યુનિટે જવાહર નગરમાં પાર્ટીના કાર્યાલયથી એક કૂચ કરી ભુટ્ટો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમની પાસેથી માફીની માંગણી કરી હતી.

ભાજપના મહારાષ્ટ્રના વડા ચંદ્રશેખર બાવનકુલે, પક્ષના કેટલાક ધારાસભ્યો અને અન્ય નેતાઓએ પુણેના તિલક ચોક ખાતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓએ પાકિસ્તાનના ઝંડા સળગાવ્યા હતા અને પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા હતા. નાસિકમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY