ભારતની સુ્પ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રાસવાદ વિરોધી ધારો ઘડવામાં આવ્યા પછી કોઇ વ્યક્તિ સંગઠિત ગુનામાં સંડોવાયેલો ન હોય તો તેના પર અગાઉના આવા ગુના માટે કાર્યવાહી કરી શકાય નહીં. ગુજરાતમાં ત્રાસવાદ અને સંગઠિત ગુના વિરોધી ધારો પહેલી ડિસેમ્બર 2019ના રોજ અમલી બન્યો હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ ધારો ઘડવામાં આવ્યા પછી કોઇ વ્યક્તિએ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોય તો તેવા સંજોગોમાં આ વ્યક્તિની તેના અગાઉના ગુના માટે આ ધારા હેઠળ ધરપકડ થઈ શકે નહીં. આવા વ્યક્તિ દોષિત હોય તો પણ આ ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે નહીં.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની એક અરજીના સંદર્ભમાં આ અવલોકન કર્યું હતું. સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાને રાજ્યની હાઇકોર્ટે આપેલા જામીનને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા સામે તેના ભૂતકાળના ગુના માટે આ આકરા ધારા હેઠળ કેસ દાખલ કરાયેલો છે. ભૂતકાળમાં ગુપ્તા સામે ભારતીય દંડ સંહિત (આઇપીસી હેઠળના ગુના હેઠળ પાંચ એફઆઇઆર દાખલ કરાઈ હતી.