અરુણાચલ પ્રદેશમાં “ચીનની વધેલી એક્ટિવિટી” શોધી કાઢ્યા પછી ભારતીય હવાઇદળે એક્ટિવ કોમ્બેટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ચીનની પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે તાજેતરના અઠવાડિયામાં ભારતના યુદ્ધ વિમાનોએ “બે-ત્રણ વખત” પેટ્રોલિંગ કર્યું હતું, એમ ટોચના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક ચીનના જેટ ઉડતા જોયા બાદ ભારતીય એરફોર્સે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે 9 ડિસેમ્બરે LAC પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થયા બાદ આ આ રીપોર્ટ બહાર આવ્યો હતો.સંસદમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે અથડામણમાં, બંને પક્ષો વચ્ચે શારીરિક ઝપાઝપી થઈ હતી, પરંતુ ભારતીય સૈનિકોએ “ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા હતા” અને જમીન પર કબજો અટકાવ્યો હતો. ભારતીય સૈનિકોએ “મક્કમ અને સંકલ્પબદ્ધ રીતે” ચીની સૈનિકોને પાછા ધકેલ્યા હતા.
રાજનાથ સિંહે કહ્યું કે ચીની સૈનિકોએ “યાંગત્સે, તવાંગમાં એલએસીનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો અને એકપક્ષીય રીતે સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો.” રાજનાથ સિંહે કહ્યું હતું “ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપને કારણે ચીની સૈનિકો તેમના સ્થાનો પર પાછા ફર્યા હતા.” કમાન્ડરોની બેઠકમાં ચીનને “આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને સરહદ પર શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનાને રાજદ્વારી ચેનલો દ્વારા મારફત પણ ઉઠાવવામાં આવી હતી.
જૂન 2020માં ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવ ખૂબ જ વધી ગયો હતો. તે સમયે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો દેશ માટે શહીદ થયા અને 40 થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા.