ગુજરાત સરકાર મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કુલ રૂ. 10 લાખની સહાય આપશે. રાજ્ય સરકારે સોમવારે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં આ અંગેની માહિતી આપી હતી. સોગંદનામામાં સરકારે જણાવ્યું હતું કે પુલ તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકના નજીકના સંબંધીઓને કુલ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સાથે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
ઓક્ટોબરમાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયા હતા. આ બ્રીજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે 7 નવેમ્બરે મોરબી દુર્ઘટનાની સુઓમોટો નોંધ લીધી હતી અને ગૃહ વિભાગ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી હતી અને એક સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે ‘અમે રાજ્ય સરકાર પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ’.
મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સૌથી પહેલાં મુખ્યપ્રધાન રાહત ભંડોળમાંથી રૂ. 4 લાખ, વડાપ્રધાન રીલિફ ફંડમાંથી બે લાખ ચૂકવાયા છે. તે જ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મોરબી બ્રિજની ઘટના એક ‘મોટી દુર્ઘટના’ હતી. આ પછી રાજ્ય સરકારે કહ્યું કે દરેક મૃતકના પરિવારજનોને વધારાનું વળતર આપવામાં આવશે.