હાઇપ્રોફાઇલ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરનારા સુકેશ ચંદ્રશેખર સંબંધિત કેસમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ સાથી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે દિલ્હીની કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. હાલમાં સુકેશ સંબંધિત કેસની તપાસ કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે અને બંને અભિનેત્રીઓને પણ પૂછપરછ માટે બોલાવી હતી.
નોરાએ દાવો કર્યો છે કે જેકલીને “તેની કારકિર્દીને બરબાદ કરે તેવા નિવેદનો આપ્યા હતા. નોરા ફતેહી અને ફર્નાન્ડીઝ બંનેની કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ દાખલ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
નોરા ફતેહીની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ફર્નાન્ડિઝે એપેલેટ ટ્રિબ્યુનલ, પીએમએલએને લેખિત નિવેદન આપ્યું હતું કે “તેને ED દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવી હતી જ્યારે નોરા ફતેહી જેવી હસ્તીઓએ કોનમેન સુકેશ ચંદ્રશેકર પાસેથી ભેટો મળી હતી અને તેમને સાક્ષી બનાવવામાં આવ્યા હતા”.
માનહાનિના દાવામાં જેકલીન ફર્નાન્ડીઝને “આરોપી 1” બનાવવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની પૂછપરછ દરમિયાન જેકલીને નોરાના નામનો ઉલ્લેખ કરતાં નોરા ભડકી હોવાનું માનવામાં આવે છે. ઈડીની તપાસ દરમિયાન જેકલીન અને નોરાએ સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ગિફ્ટ લીધી હોવાની માહિતી સામે આવતાં બંને અભિનેત્રીઓને અનેકવાર ઈડી ઓફિસ પર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
નોરાએ જેકલીન સામે નોંધાવેલી માનહાનિની ફરિયાદમાં લખાવ્યું છે કે, મારા નામને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યું છે. જેકલીને મારા કરિયરને ખતમ કરવાની કોશિશ કરી છે. મારું નામ ખોટી રીતે સામેલ કરવા પાછળ તેનો શું ઉદ્દેશ છે તે મને સમજાતું નથી. અમે બંને એક જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ અને બંને સરખું બેકગ્રાઉન્ડ ધરાવીએ છીએ. નોરાએ જણાવ્યું હતું કે, જેકલીને આપેલા મારા વિરુદ્ધના સ્ટેટમેન્ટના કારણે આ કેસમાં નામ ઉછાળવાની સાથે મારે અનેક ગ્લોબલ બ્રાન્ડ્સના કોન્ટ્રાકટ ગુમાવવા પડ્યા છે અને અનેક શોમાંથી પણ મને બાકાત કરવામાં આવી છે. અનેક મીડિયા ટ્રાયલ્સના કારણે પણ મારે ઘણું સહન કરવાનો વારો આવ્યો છે.
નોરા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેને સુકેશ પાસેથી મોંઘીદાટ ગિફ્ટ મેળવી છે જેમાં બ્યુટી પ્રોડક્ટ્સ, બેગ, કપડાં સામેલ છે જો કે, નોરા વારંવાર કહી ચૂકી છે કે, તેણે સુકેશ પાસેથી એક પણ ગિફ્ટ લીધી નથી અને તેને ખોટી રીતે ટારગેટ કરવામાં આવી રહી છે.