Bhupendra Patel and his ministers took oath in a grand ceremony
ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 12 ડિસેમ્બરે યોજાયેલા સમારોહ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન તરીકે તથા જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, રુષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા, મુળુ બેરા, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનશેરીયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ, મુકેશ પટેલ, બચુભાઈ ખાબડ અને પરષોત્તમ સોલંકીએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. (ANI ફોટો)

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત ભાજપના ઐતિહાસિક વિજય પછી સોમવાર, 12 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. મુખ્યપ્રધાનની સાથે કેબિનેટ રેન્કના આઠ સહિત 16 પ્રધાનોએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. ગુજરાતનું આ સોથી નાનું પ્રધાનમંડળ છે. જોકે પ્રધાનમંડળમાં માત્ર એક જ મહિલાનો સમાવેશ કરાયો છે.

ભુપેન્દ્ર પટેલના 17 સભ્યોની કેબિનેટમાં સાત OBC સમુદાય, ચાર પાટીદારો, બે અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી અને એક-એક અનુસૂચિત જાતિ, બ્રાહ્મણ, જૈન અને રાજપૂત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે.

કેબિનેટ પ્રધાનોમાં કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુ બેરા, કુબેર ડીંડોર અને ભાનુબેન બાબરીયાનો સમાવેશ થાય છે. હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ સ્વતંત્ર પ્રભારી સાથે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યકક્ષાના છ પ્રધાનોમાં પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનશેરિયા, કુવરજી હળપતિ અને ભીખુસિંહ પરમારનો સમાવેશ થાય છે.

શપથ ગ્રહણ પછી પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનોના ખાતાની ફાળવણી કરાઈ હતી. હર્ષ સંઘવી ગૃહરાજ્યપ્રધાન તરીકે રીપીટ થયા છે. ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, કનુભાઈ દેસાઈને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પૂરવઠો, રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ, પરસોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન, કુંવરજી બાવળિયાને જળ સંપત્તિ, કુબેર ડિંડોરને શિક્ષણ અને આદિજાતિ તથા ભાનુબહેન બાબરીયાને સામાજિક અને ન્યાય વિભાગ સોંપાયો છે.

સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અન્ય કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યાં હતા. રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત પછી આ સમારંભમાં ભાજપ શાસિત રાજ્યો અને સહયોગી પક્ષોના મુખ્યપ્રધાનો પણ હાજરી આપી હતી. આ યાદીમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર, મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને તેમના નાયબ દેવેન્દ્રના નામ સામેલ હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વરિષ્ઠ નેતા બીએલ સંતોષ અને ગુજરાતમાં પ્રચાર કરી ચૂકેલા સાંસદો પણ હાજર રહ્યાં હતા.
શપથગ્રહણ સમારંભ માટે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ત્રણ વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. વચ્ચેનું પ્લેટફોર્મ મુખ્યપ્રધાન અને તેમના પ્રધાનમંડળ માટે હતું. મુખ્ય મંચની જમણી બાજુનું પ્લેટફોર્મ વડાપ્રધાન અને વીવીઆઈપી બેઠા હતા. ડાબી બાજુના પ્લેટફોર્મમાં રાજ્યના 200 સાધુ સંતો ઉપસ્થિત. સંતોને સમારોહ માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે.

પ્રેક્ષકોમાં તમામ સમુદાયોના મોટી સંખ્યામાં સભ્યો શામેલ થયા હતા. પાટીદારો, અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને મહિલાઓને પ્રાથમિકતા અપાઈ હતી. 2024ની લોકસભા અને પછી 2026ની રાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પસંદગીઓ આપવામાં આવી હતી.

આ ચૂંટણીમાં ભાજપે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયમાં પ્રભાવ ઊભો કર્યો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ છે. ભાજપે ગુજરાતમાં પ્રચંડ જીત હાંસલ કરી હતી. રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો અને 53 ટકા વોટ શેર જીતી ઇતિહાસ સર્જ્યો હતો.

જૂના પ્રધાનમંડળના 11થી વધુ પ્રધાનો કપાયા

નવા પ્રધાનમંડળમાં જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, વિનુ મોરડિયા, કિરિટસિંહ રાણા, અર્જુન ચૌહાણ, જીતુ ચૌધરી, નિમિષા સુથાર, ગજેન્દ્ર પરમાર, દેવા માલમ, નરેશ પટેલ, મનિષા વકીલ એમ 11થી વધુ પ્રધાનોને સ્થાન મળ્યું નથી.

કયા પ્રધાનને કયુ ખાતુ મળ્યું

ભૂપેન્દ્ર પટેલ, મુખ્યપ્રધાન
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી

કેબિનેટ પ્રધાનો

કનુભાઈ દેસાઈ
નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

ઋષિકેશ પટેલ
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો

રાઘવજી પટેલ
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

બળવંતસિંહ રાજપુત
ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

કુંવરજી બાવળિયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

મૂળુ બેરા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ

ડો. કુબેર ડીંડોર
આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ભાનુબેન બાબરીયા
સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના પ્રધાનો

હર્ષ સંઘવી
રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)

જગદીશ વિશ્વકર્મા
સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)

પુરુષોત્તમ સોલંકી
મત્સ્યોદ્યોગ અને પશુપાલન

બચુ ખાબડ
પંચાયત અને કૃષિ

મુકેશ જે. પટેલ
વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા

પ્રફુલ્લ પાનસેરીયા
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

ભીખુસિંહ પરમાર
અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા

કુંવરજી હળપતિ
આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

LEAVE A REPLY