વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે વિશ્વએ સારવારની વિવિધ પદ્ધતિઓ અજમાવી છે અને હવે આયુર્વેદની પ્રાચીન સારવાર પદ્ધતિ તરફ પરત આવી રહ્યું છે. વડા પ્રધાને ગોવા સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, ગાઝિયાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન અને દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.
નવમી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC) અને આરોગ્ય એક્સપોના સમાપન સત્રને સંબોધવા મોદી ગોવા પહોંચ્યા હતા. આયુર્વેદ કોંગ્રેસમાં 50થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
વિશ્વના 30થી વધુ દેશોએ આયુર્વેદને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ તરીકે સ્વીકારી છે તેનો આનંદ વ્યક્ત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આપણે તેને વધુ દેશોમાં ફેલાવવું જોઈએ અને આયુર્વેદને માન્યતા આપવી જોઈએ. આયુષ ઉદ્યોગ આઠ વર્ષમાં રૂ. 20,000 કરોડથી વધી રૂ.1.50 લાખ કરોડ થયો છે.