ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ભાજપના મોવડીમંડળે મુખ્ય પ્રધાનપદે ફરીથી ભૂપેન્દ્રભાઇ પટેલની ફરીથી પસંદગી કરી છે. નવી સરકાર રચવા માટે ગતિવિધિ હાથ ધરવા માટે ભાજપ દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી છે. શનિવારે પાર્ટીના ગાંધીનગર ખાતેના મુખ્યાલય- કમલમમાં વિધાનસભા દળની બેઠક યોજાઈ હતી. જેમાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.
જેમાં સર્વ સંમતિથી તેમની મુખ્ય પ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ, તેઓ હવે બીજીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે આરુઢ થવા જઇ રહ્યા છે. નવી સરકારની શપથવિધિ 12 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે યોજાશે. ગુજરાતમા 14મી વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી છે. શુક્રવારે વર્તમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામુ સોંપ્યા પછી રાજ્યપાલે 14મી વિધાનસભાના વિસર્જનનો હુકમ જાહેર કર્યો હતો.
આ સમગ્ર પ્રક્રિયામાં હવે ભાજપ તરફથી રાજ્યપાલને નવા મુખ્ય પ્રધાનની પસંદગી થઇ ગઇ હોવાનો પત્ર સોંપવામાં આવશે, તેના આધારે રાજ્યપાલ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપશે. હવે નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ શપથવિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્ગ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.