જેમ અક્ષયકુમારને બોલીવૂડમાં સફળતાનો પર્યાય માનવામાં આવે છે તેમ કાર્તિક આર્યને પણ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન તેવું બનાવ્યું છે. અત્યારે તેની ફિલ્મોને સફળતાની મળવાની ખાતરી હોય છે. ખૂબ જ ટૂંકા સમયમાં તેણે નિર્માતા-દિગ્દર્શકોના મન-મગજમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. કરણ જોહરે તેને પોતાની ફિલ્મમાંથી હકાલપટ્ટી કર્યા પછી એવી ચર્ચા થતી હતી કે, તેની કારકિર્દીનો અંત શરૂ થઇ ગયો છે. પરંતુ હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને એવું કહેવાય છે કે, કાર્તિક આજે અક્ષયકુમારનો શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે.
અક્ષયકુમારની ફિલ્મોની સિકવલોમાં નિર્માતાઓ કાર્તિકને લેવા માટે ઇચ્છુક હોય છે. બોલીવૂડમાં મોટાભાગની ફિલ્મો નિષ્ફળ જઇ રહી છે, તેવામાં નિર્માતાઓને અક્ષયકુમારની અધધધધ…કહી શકાય તેવી ફી ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે. આથી હવે બાોલીવૂડના નિર્માતાઓ કાર્તિકની અભિનય ક્ષમતા પર વિશ્વાસ રાખીને તેને પોતાની ફિલ્મોમાં સાઇન કરી રહ્યા છે. તેની ભૂલ ભૂલૈયા ટુ સુપર-ડુપર હિટ થઇ હતી અને તેણે 185 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ પછી હેરાફેરી 3માં પણ અક્ષયના બદલે કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે.
સૂત્રો કહે છે કે, અક્ષયકુમારે હેરાફેરી 3 માટે ફી તરીકે રૂપિયા 90 કરોડ માગ્યા હતા, પરંતુ નિર્માતાને આટલી મોટી રકમ પરવડે તેમ ન હોવાથી તેમણે કાર્તિકને ફક્ત 30 કરોડમાં સાઇન કરી લીધો હોવાની ચર્ચા થઇ રહી છે.