ડોનાલ્ડ ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપનીને મંગળવારે કર સત્તાવાળાઓ સાથે 15 વર્ષ સુધી છેતરપિંડી કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. તેનાથી 2024માં ફરીથી પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સામેની કાનૂની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
વિશ્વભરમાં હોટેલ્સ, ગોલ્ફ કોર્સ અને અન્ય રિયલ એસ્ટેટનું સંચાલન કરતા ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર એલન વેઈસેલબર્ગ સહિતના ટોચના અધિકારીઓને વ્યક્તિગત ખર્ચ ચૂકવવા અને તેઓને સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો હોય તેમ બોનસ ચેક આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ટેક્સ સત્તાવાળાઓને છેતરવાની સ્કીમ, ષડયંત્ર અને બિઝનેસના રેકોર્ડ ખોટા બનાવવા સહિતના તમામ આરોપોમાં દોષિત ઠર્યા બાદ કંપનીને $1.6 મિલિયન સુધીના દંડનો સામનો કરવો પડે છે. આ કેસમાં ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો ન હતો.
ન્યૂયોર્કમાં રાજ્યની અદાલતમાં આ ટ્રાયલની ચાલ્યો હતો. કોર્ટ ટ્રાયલના અધ્યક્ષ જસ્ટિસ જુઆન મર્ચન સજાની તારીખ 13 જાન્યુઆરીએ નક્કી કરી હતી. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન જેવી મોટા કદની કંપની માટે આ દંડની રકમ મોટી નથી, પરંતુ દોષિત ઠરવાથી બિઝનેસ કરવાની ક્ષમતાને અસર થઈ શકે છે.
ટ્રમ્પની બે કંપનીઓને છેતરપિંડી માટે દોષિત ઠેરવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર મૈનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની દ્વારા દાખલ કરાયેલા કેસમાં ટ્રમ્પની બે કોર્પોરેટ સંસ્થાઓને તમામ 17 બાબતોમાં દોષિત ઠેરવવામાં આવી છે. ટ્રમ્પની કંપનીઓએ ભાડા-મુક્ત એપાર્ટમેન્ટ્સ અને લક્ઝરી કાર અને નોકરીના લાભો પર વ્યક્તિગત આવકવેરો ભરવાનું ટાળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ કોર્પ અને ટ્રમ્પ પેરોલ કોર્પને છેતરપિંડીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર વ્યક્તિગત રીતે આરોપ મૂકવામાં આવ્યો નથી. કોર્ટ કેસ દરમિયાન ટ્રમ્પનો પણ ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.