હિમાચલપ્રદેશમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા જળવાઈ રહી છે અને કોંગ્રેસે ગુરુવારે હિમાચલ પ્રદેશને ભાજપ પાસેથી છીનવી લીધું હતું. આ પહાડી રાજ્યમાં 68 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 40 બેઠકો મળી છે, જ્યારે ભાજપને 25 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટી ખાતુ પણ ખોલાવી શકી ન હતી. રાજ્ય વિધાનસભામાં બહુમતીનો આંકડો 35 છે. અહીં આપને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 1985 થી કોઈપણ પક્ષ સતત બે વિધાનસભા ચૂંટણી જીતી શક્યો નથી.
મતગણતરીના છેલ્લાં ટ્રેન્ડ મુજબ કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી અને 1 પર આગળ હતી, જ્યારે ભાજપે 18 બેઠકો પર જીત નોંધાવી હતી અને અન્ય સાત બેઠકો પર આગળ હતી. ત્રણ અપક્ષો પણ વિજયી થયા હતા.
67 બેઠકો પર ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની પાર્ટીની “નિર્ણાયક જીત” માટે હિમાચલ પ્રદેશના લોકોનો આભાર માન્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે પાર્ટી દ્વારા કરવામાં આવેલા દરેક વચનને પૂર્ણ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે તેઓ લોકોના જનાદેશનું સન્માન કરે છે અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ભાજપે “રાજ નહીં, રિવાજ બદલેગા” નું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસે આ પહાડી રાજ્યમાં તેના પ્રચાર અભિયાનમાં જૂની પેન્શન યોજના પાછી લાવવા અને યુવાનોને નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું.
ભાજપ અને કોંગ્રેસે તમામ 68 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે AAPએ 67 બેઠકો પર, બહુજન સમાજ પાર્ટીએ 53 અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) 11 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 2017માં ભાજપે 44 બેઠકો, કોંગ્રેસને 21 અને CPIMને એક બેઠક મળી હતી. બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલ દ્વારા ભાજપ જીતની આગાહી કરવામાં આવી છે.