ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
શિયાળો જેમ નજીક આવે તેમ તેની સહુથી પહેલી અસર ચામડી પર અનુભવાય છે. ચામડી અને વાળ સુકા-બરછટ થવા લાગે છે. પગની એડીમાં વાઢિયા પડવાનું ચાલુ થાય છે. આ દરેક માટે તેલ માલિશ અસરકારક ઇલાજ છે.
આયુર્વેદ તેલમાલિશ માટે શું સૂચવે છે, તે જાણીએ.
કોણે તેલ માલિશ કરવું?
• ચામડી તથા વાળને સુંવાળા, ચમકતા રાખવા માંગતા સહુ કોઇ.
• જેમની ચામડી, વાળ સૂકા-બરછટ વારંવાર થઇ જતા હોય.
• જે સ્ત્રીઓને વારંવાર થાક – અશક્તિ જણાતા હોય.
• શરીરનો બાંધો બહુ નબળો હોય કે પછી વજન વધારે હોય.
• વાયુના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગથી પીડાતા વ્યક્તિઓ.
• વધુ સમય ઊભા રહેવાથી, ચાલવાથી સવારે ઉઠતાની સાથે પગની એડીમાં દુઃખાવો થતો હોય તેવી વ્યક્તિઓ.
• જે બાળકોનું વજન વધતું ન હોય, વિકાસ ધીમે થતો હોય, તેમના માટે તેલ માલિશ ખૂબ ફાયદાકારક છે.
કયા તેલ વાપરવા?
• તલનું તેલ સામાન્ય રીતે દરેકને અનુકૂળ આવે છે.
• ચહેરા પર સમાજ કરવા માટે બદામનું તેલ, ઓલીવ ઓઇલ, કુમકુમાદિ તેલ વપરાય.
• માથામાં માલિશ કરવા માટે નારિયેળ કે તલનું તેલ વાપરવું જોઇએ.
• વિચારવાયુ, ડિપ્રેશન, એન્ઝાયટી મટાડવા માટે સહચર તેલ, બ્રાહ્મી તેલ, જ્યોતિષ્મતી તેલ, ચંદનબલાલાક્ષાદિ તેલ પૈકી પસંદ કરી, તેલમાં રૂનું પૂમડું બોળી માથામાં બ્રહ્મરંધ્ર પર મૂકવું. તેલ તાળવામાં ચૂસાઇને ફાયદો કરશે.
• ગુસ્સો બહુ આવતો હોય, યાદશક્તિ ઘટી ગઇ હોય, માઇગ્રેન કે માથામાં ફોડકી – ગૂમડા જેવા પિત્તના રોગ મટાડવા માટે ભૃંગરાજ તેલ, બ્રાહ્મી – દૂધીનું તેલ, કોપરેલમાં કપૂર ભેળવી લગાવવું.
• સાંધાના દુઃખાવા માટે મહાનારાયણ તેલ, પંચગુણ તેલ શ્રેષ્ઠ છે.
• સ્નાયુની નબળાઇ હોય તો અશ્વગંધા તેલ વાપરવું.
• પગના તળીયાના વાઢિયા માટે કોકમનું તેલ, એરંડીયું કે ગાયનું ઘી ઉત્તમ છે.
• ચામડીના રોગ (ખરજવું વિ.) હાઇપર-હાઇપો પિગમેન્ટેશન, ફંગલ ઇન્ફેકશન, ઝીણી ફોડકીઓ માટે કરંજ તેલ વાપરવું.
• ટાલ પડી જતી હોય, વાળ ખરતા હોય વાળ, ખરતા હોય તો તે માટે ભૃંગરાજ તેલ, કોપરેલ, તલનું તેલ ઉપયોગી છે.
• અકાળે પડતી ટાલ, યુવાન સ્ત્રીઓને ટાલ પડે તેવા કિસ્સામાં ધતુરપત્રાદિ, કરંજ્યાદિ, નીંબતેલનો વૈદકીય માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરવો.
તેલમાલિશના ફાયદા
• તેલમાલિશ કરવાથી ચામડી ચળકતી, યુવાન, કરચલી વગરની રહે છે.
• થાક ઉતરે છે.
• વાયુદોષ ઓછો થાય છે.
• ભૂખ લાઞે અને ઊંઘ સારી આવે છે.
• શરીરનાં અંગોમાં મસાજ થવાથી સ્નાયુ અને માંસપેશીમાં પણ રક્તસંચાર વધે છે જેથી સ્વસ્થતા આવે છે. સંવેદનશીલતા યોગ્યપણે થાય છે.
માલિશ કોણે ન કરવું?:
• જેઓને ઉલટી-ઝાડા થયા હોય. અજીર્ણ-અપચો હોય તેઓએ તેલમાલિશ ન કરવું.
• તાવ, શરદીના દર્દીએ માલિશ કરવું નહીં.
ટિપ્સ
• તેલ માલીશ રૂંવાટીથી અવળી દિશામાં, હળવા હાથે કરવું.
• સ્નાયુના આકાર મુજબ, હથેળીની ગોળાઇ અને પકડમાં બદલાવ લાવી જરૂર મુજબ દબાણ આપી કરવું.
• સ્લીપડિસ્ક, સાંધાના ઘસારા જેવા રોગમાં તેલમાલીશ યોગ્ય માર્ગદર્શન વગર કરવાથી નુકસાન વધશે.
• વાળના મૂળ નબળા હોય તો રૂના પૂમડાંથી તેલ નાંખવું. વાળ મસળવા નહીં, નહીં તો વધુ ખરશે.