Prime Minister Modi will inaugurate the Pramukh Swami Maharaj Shatabdi Mohotsav
પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં ઉદઘાટન કરશે.

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમા રૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે. અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના રોજ સાંજે ૫.૦૦ કલાકે થશે. આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબજ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહેશે, એમ બીએપીએસ સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.

સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લાખોની સંખ્યામાં ભકતો ઉમટી રહ્યા છે, ત્યારે વડાપ્રધાને પણ અનેક વાર ફોન અને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપરાંત પ્રમુખ સ્વામી મહારાજના આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીને આદરાંજલિ અર્પણ કરશે.

BAPS સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં માનનીય નરેન્દ્રભાઇ મોદી ચાર દાયકાઓ સુધી નિરંતર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેમણે અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષ રૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થાનાં સેવાકાર્યો વિશે અનેક વાર ઉદ્દગારો વ્યક્ત કરી ચૂક્યા છે:

2017, ગાંધીનગર અક્ષરધામ રજતજયંતી મહોત્સવ પ્રસંગે:

“અક્ષરધામ એક એવી પરંપરા છે કે એના એક કેસ સ્ટડી માટે દુનિયાની યુનિવર્સીટીઓને નિમંત્રિત કરવી જોઈએ કે ભારતમાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેક્નોલોજીનો કેવો અદભૂત સુયોગ છે! …અને સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું છે! આજે હું એવું કહી શકું કે હિન્દુસ્તાનમાં સંત પરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભક્તિ! ભક્તિમાં પણ તર્કના તરાજૂએ તોળાયેલી વ્યવસ્થા! …હું સારંગપુરમાં બાપાએ શરુ કરેલો આખો સિલેબસ જોવા ગયો હતો. કેવી રીતે સંતોની ટ્રેનિંગ થાય છે એ બધું જોયું હતું.”

2016, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દેહત્યાગ સમયે સ્વાતંત્ર્ય દિને સારંગપુર પહોંચીને વડાપ્રધાન મોદીએ અર્પેલી ભાવાંજલિ

” કેટલા બધા વર્ષોનો નાતો!  જયારે જાહેર જીવનમાં મારી કોઈ જ ઓળખાણ-પિછાણ નહોતી,…ત્યારથી લઈને એક સંતાનને જેમ પાલવે, પોષે, મઠારે એવો પિતૃતુલ્ય લાભ મને પ્રમુખસ્વામીજી પાસેથી મળ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજની વિદાયથી મેં તો પિતા ગુમાવ્યા છે… પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે ગુરુ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, એમ એ શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પુરવાર થયા છે. અને એક ઉત્તમ શિષ્ય તરીકે યોગીજી મહારાજનીએ યમુનાને કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી. 1992માં શ્રીનગરના લાલ ચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. હજી તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો અને મને બે ટેલીફોન મળ્યા. પહેલો ફોન હતો પ્રમુખસ્વામીજીનો! બીજો ફોન મારી માતાનો!.. આવી વિભૂતિ, એક યુગપુરુષ, ઉત્તમ સંતકોટિની મહાન પરંપરાના નિયંતા અને આગળ આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે વિદાય થયું છે. પરંતુ પ્રમુખ સ્વામીજી સ્વધામમાં હોય તો પણ એમનાં આચાર-વિચાર, ત્યાગ, તપશ્ચર્યા, જીવન, સંયમ, નૈતિકતા આ સઘળું આપણા શ્વાસેશ્વાસમાં હરપળ રહેશે.”

 

 

LEAVE A REPLY